![]()
Uttarakhand Accident: ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં શુક્રવારે (પાંચમી ડિસેમ્બર) વહેલી સવારે એક મોટો અને કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓને લઈ જતી એક બોલેરો કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારાકોટ નજીક ઊંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે પાંચ અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
લગ્નનો આનંદ શોકમાં ફેરવાયો
આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ચંપાવતના પાટી બ્લોકના બાલાતારી ગામમાંથી એક લગ્ન સરઘસ ગણાઈ ગંગોલીના સેરાઘાટ પરત ફરી રહ્યું હતું. બારાકોટ નજીક બાગધર વિસ્તારમાં કાર અચાનક ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં પ્રકાશ ચંદ ઉનિયાલ (40), કેવલ ચંદ્ર ઉનિયાલ (35), સુરેશ નૌટિયાલ (32), ભાવના ચૌબે (28), અને માત્ર 6 વર્ષના પ્રિયાંશુ ચૌબેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત
કારમાં સવાર ડ્રાઈવર દેવીદત્ત પાંડે (38) સહિત ધીરજ ઉનિયાલ (12), રાજેશ જોશી (14), ચેતન ચૌબે (5) અને પી. રામદત્ત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને લોહાઘાટ સબ-જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અને SDRF દ્વારા રેસ્ક્યુ
પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ શુક્રવારે વહેલી સવારે માહિતી મળતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અને SDRFની ટીમે ભારે મહેનત બાદ ઈજાગ્રસ્તોને અને મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢ્યા હતા. હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એક સાથે પાંચ લોકોના કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.










