![]()
વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીની જિંદગી દોઝખ બની
પતિને આપવીતિ જણાવતાં આવું તો અમારામાં ચાલે તેમ કહી દીધું, પતિ અને જેઠ સામે ગુનો
રાજકોટ: રાજકોટમાં રહેતી અને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરનાર ગર્ભવતી પરિણીતાએ મારકૂટ કરનાર પતિ અને પરાણે શરીર સંબંધ બાંધનાર તેના જેઠ સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીઓને સકંજામાં લઈ પૂછપરછ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મોરબીની અને એકથી દોઢ વર્ષ પહેલાં લગ્ન કરનાર ૧૯ વર્ષીય પરિણીતા અગાઉ શો રૂમમાં પ્રાઈવેટ નોકરી કરતી હતી. ત્યાં તેનો પરિચય યુવક સાથે થતાં પ્રેમલગ્ન કર્યા હતા. હાલ તેને એક સંતાન છે. તેમજ તે ગર્ભવતી છે. લગ્નજીવન દરમિયાન પતિ તેને ત્રાસ ગુજારી મારકૂટ કરતો હતો. બીજી તરફ તેના જેઠ પણ તેને અવાર-નવાર હવસનો શિકાર બનાવતો હતો.
એટલું જ નહીં ભોગ બનનાર ગર્ભવતી હોવા છતાં જેઠ દૂષ્કર્મ આચરતો હોવાથી અંતે તેણે પતિને આ મામલે વાત કરી હતી. છતાં તેના પતિએ ‘આવું તો અમારામાં ચાલે’ કહી ત્રાસ ગુજારતો હતો. આથી કંટાળી ગયેલી પરિણીતાએ અંતે ફરિયાદ નોંધાવી હતી.
થોરાળા પોલીસના પીઆઈ નિતીન વાઘેલા સહિતના સ્ટાફે આ મામલે પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ સુલતાનઅલી અને જેઠ હૈદરઅલી સામે ગુનો દાખલ કરી સકંજામાં લઈ પૂછતાછ શરૂ કરી છે. ઘટનાને પગલે પરિણીતાની આપવીતિ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.










