![]()
Punjab Political News : પંજાબ કોંગ્રેસે પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ જાહેરમાં નિવેદનબાજી કરી રહ્યા હતા અને તેમણે વરિષ્ઠ નેતાઓ પર પૈસા લઈને ટિકિટ વેચવા સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા.
નવજોત કૌરના ગંભીર આરોપો
સોમવારે જ નવજોત કૌરે ફરી એકવાર પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ‘ચરણજીત સિંહ ચન્ની, સુખજિન્દર સિંહ રંધાવા, અમરિંદર સિંહ રાજા વડિંગ અને પ્રતાપ બાજવા જેવા નેતાઓ પોતાના પદનો દુરુપયોગ કરીને દરેક ચૂંટણીમાં પૈસા લઈને ટિકિટ વેંચે છે. કાઉન્સિલરની ટિકિટો પાંચ-પાંચ કરોડ રૂપિયામાં વહેંચવામાં આવી હતી. આ ઉપરાંત, પાર્ટીએ જે નેતાઓને અન્ય રાજ્યોની જવાબદારી સોંપી હતી, ત્યાં પણ પૈસા લઈને ટિકિટો વહેંચવામાં આવી હતી.’
— Amarinder Singh Raja Warring (@RajaBrar_INC) December 8, 2025
આ પણ વાંચો : ‘જો કોઈ ભૂલ કરશે તો…’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી
નવજોત કૌર ભાજપના સંપર્કમાં !
નવજોત કૌરે પક્ષ વિરોધી નિવેદનબાજી શરૂ કર્યા બાદ તેઓ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે કૌરે આ ચર્ચાઓને રદીયો આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ‘મારો કે મારા પતિ નવજોત સિંહ સિદ્ધુનો કોંગ્રેસ છોડીને અન્ય કોઈ પાર્ટીમાં જવાનો કોઈ ઇરાદો નથી. અમે કોંગ્રેસને ચૂપચાપ બેસીને નબળી થતી જોઈ શકતા નથી. અમે તો આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદની ઓફર પણ ઠુકરાવી દીધી હતી અને અમે રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના વફાદાર છીએ.’
આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો










