આજે છોટાઉદેપુર – ધાર નવી બ્રોડગેજ લાઇનના જોબાટ – દેકાકુંડ (૧૧.૭૨૫ કિમી) સેક્શન પર કમિશન ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ) દ્વારા ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. જે સફળ રહેતા આ સેક્શન પર હવે રેલ સેવાઓ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે.
જોબાટ-દેકાકુંડ રૂટ પર મુખ્ય બે બ્રિજો અને નાના ૨૪ બ્રિજો આવેલા છે. તેમજ ૧૧ રોડ અંડર બ્રિજ, એક રોડ ઓવર બ્રિજ અને એક સબવેનું નિર્માણ કરાયુંછે. વિભાગના અંતે દેકાકુંડ નવું સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ પણ પૂર્ણ થયું છે. સીઆરએસ નિરીક્ષણ દરમિયાન રેલવે ટ્રેક, સિગ્નલ, ક્રોસિંગ વગેરેના નિરીક્ષણ સાથે૧૨૫ કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ પણ હાથ ધરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, છોટાઉદેપુર-ધાર નવી ૧૫૭ કિલોમીટરની રેલવે લાઈન મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોને સીધી રીતે જોડશે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટથી વડોદરા અને ઇન્દોર જેવા બે મહાનગરો વચ્ચેનું મુસાફરીનું અંતર અને સમય ઘટશે. આ પ્રોજેકટની કામગીરી તબક્કાવાર આગળ વધી રહી છે.










