– વઢવાણમાં ગણપતિ ફાટસરની ઘટના
– બે શખ્સોએ મહિલા સહિત ત્રણ વ્યક્તિને લાકડાના ધોકા વડે મારમારી ઈજાઓ પહોંચાડી
સુરેન્દ્રનગર : વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં રહેણાંક મકાન પાસેથી બાઈક લઈને નીકળવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ મામલે વઢવાણ પોલીસ મથકે ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારે સામાપક્ષે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વઢવાણ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ સંજયભાઈ વશરામભાઈ રાઠોડ (રહે.રિધ્ધિ-સિધ્ધિનગર)ના મકાન પાસેથી અલ્પેશભાઈ પરમાર અને ઉપલ અલ્પેશભાઈ પરમાર બંને બાઈક લઈને નીકળ્યા હતા. બંનેએ ચાલુ બાઈકે સંજયભાઈ રાઠોડની છોકરીને ઉપાડી જવી છે તેમ જણાવતા ફરિયાદીના પત્નીએ બાઈક પાછળ લાકડાનો ઘા કર્યો હતો. ત્યાર બાદ ઉપલ અને તેમના પિતા અલ્પેશભાઈ ફરી વખત ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ઉશ્કેરાઈ ગાળો બોલી લાકડાના ધોકા વડે ઉપલભાઈ તેમજ અલ્પેશભાઈ પરમારે એકસંપ થઈ સંજયભાઈ રાઠોડના પિતા વશરામભાઈને મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ સંજયભાઈ રાઠોડ અને તેમના પત્ની વચ્ચે પડતા પત્નીને પણ મારમાર્યો હતો તેમજ ઘરની બહાર પડેલ ટુ વ્હીલર અને દરવાજાને નુકશાન પહોંચાડયું હતું. જે મામલે સંજયભાઈ રાઠોડે બે શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.