![]()
Warner Brothers Discovery And Netflix Deal : મનોરંજન ઉદ્યોગમાં હાલમાં એક ઐતિહાસિક સોદો થઈ રહ્યો છે. વિશ્વની અગ્રણી સ્ટ્રીમિંગ સેવા ‘નેટફ્લિક્સ’ દ્વારા પારંપરિક મીડિયા જગતની દિગ્ગજ કંપની ‘વોર્નર બ્રધર્સ ડિસ્કવરી’ને 72 અબજ ડોલર (લગભગ 6490 અબજ રૂપિયા)માં ખરીદવા માટેનો કરાર કરાયો છે. આ સોદો ફિલ્મ અને સ્ટ્રીમિંગ ઉદ્યોગનો ઇતિહાસ બદલી શકે એવો છે, પરંતુ તેની સાથે જ વિવાદ અને નિયમનકારી ચિંતાઓ પણ સામે આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ‘આ સોદો સમસ્યા બની શકે છે’ એવી ચેતવણી આપી છે. ચાલો, એનું કારણ સમજીએ.
સોદાનું સ્વરૂપ અને ઉદ્દેશ્ય
આ સોદા અંતર્ગત વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના ‘ફિલ્મ સ્ટુડિયો’, તેના મૂલ્યવાન ‘આઈપી’ (બૌદ્ધિક સંપદા) અને તેના પ્રખ્યાત સ્ટ્રીમિંગ નેટવર્ક ‘HBO’ અને ‘Max’ નેટફ્લિક્સની માલિકીના થઈ જશે. આનો અર્થ એ થશે કે ‘હેરી પોટર’, ‘ગેમ ઓફ થ્રોન્સ’, ‘લૂની ટ્યુન્સ’, ‘ધ મેટ્રિક્સ’, ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ જેવી વિશ્વ-વિખ્યાત ફ્રેન્ચાઇઝી અને એના ચરિત્રો હવે નેટફ્લિક્સના પ્લેટફોર્મ પર પહોંચી શકશે. આ કરારનો મુખ્ય હેતુ સ્ટ્રીમિંગ યુગમાં ગ્રાહકોને એક જ સ્થાને વિવિધતાભર્યું મનોરંજન આપવાનો છે.
ટ્રમ્પે શા માટે ચિંતા વ્યક્ત કરી?
રવિવારે વોશિંગ્ટન ડી.સી. ખાતે એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સોદા પ્રત્યે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મનોરંજન જગતમાં નેટફ્લિક્સ પહેલેથી જ ‘મોટો બજાર હિસ્સો’ ધરાવે છે અને વોર્નર બ્રધર્સ સાથે થવા જઈ રહેલા મર્જરને લીધે તે વધુ મોટી ‘જાયન્ટ’ બની જશે, જે ‘સમસ્યા બની શકે એમ છે’. આવા મોટા સોદાને લીધે કોઈપણ ઉદ્યોગમાં મોનોપોલી સર્જાતી હોય છે, જે સારી વાત નથી. આ સોદાને મંજૂરી આપવી કે નકારવો એના નિર્ણયમાં હું વ્યક્તિગત રીતે સામેલ થઈશ.
શું ડોનાલ્ડ ટ્રમ્પને આ સોદો અટકાવવાની સત્તા છે?
- ટ્રમ્પ ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ હોય, પણ તેઓ સ્વેચ્છાએ આ સોદાને સીધી રીતે અટકાવી શકે એવો કાયદેસર અધિકાર તેમને નથી. અલબત્ત, તેઓ આ સોદા માટેની કાનૂની પ્રક્રિયાને અસર કરી શકવા સક્ષમ છે. કઈ રીતે?
- આ સોદાને મંજૂરી આપવી કે નહિ તે અમેરિકાના ન્યાય વિભાગ (DOJ – ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ) અને ક્યારેક FTC (ફેડરલ ટ્રેડ કમિશન) દ્વારા થતી ‘એન્ટીટ્રસ્ટ સમીક્ષા’થી નક્કી થાય છે. એન્ટીટ્રસ્ટ સમીક્ષા એટલે બજારમાં મોનોપોલી (એકહથ્થું વર્ચસ્વ) અટકાવવા અને કંપનીઓ વચ્ચે ન્યાયસંગત સ્પર્ધા જાળવવાનો કાયદો.
- રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ એન્ટીટ્રસ્ટના અમલીકરણને કડક બનાવવા, અધિકારીઓની નિયુક્તિમાં ફેરફાર કરવા અને સમીક્ષા પર રાજકીય દબાણ વધારવા માટે સક્ષમ છે. એટલે તેઓ સોદા માટે સીધી નહીં, પણ આડકતરી રીતે મોટી અડચણો ઊભી કરી શકે છે. જેમ કે, લાંબી તપાસ, કાનૂની પડકાર.
- જો એમ સાબિત થાય કે આ મર્જરથી ગ્રાહકોને નુકસાન થઈ શકે એમ છે તો આ સોદો અટકાવી શકાય છે અથવા એમાં મોટા ફેરફારો (જેમ કે, શરતો સાથેની મંજૂરી) કરવાની માંગ કરવામાં આવી શકે છે.
લેખકો સોદાના વિરોધમાં છે
અમેરિકન લેખકોના સંગઠન ‘યુનિયન રાઈટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા’ જેવા અમુક સંગઠનો પહેલેથી જ આ સોદાનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે એવો ડર વ્યક્ત કર્યો છે કે, આ મર્જરથી નોકરીઓ ખતમ થશે, કર્મચારીઓના વેતન પર દબાણ ઊભું થશે, ગ્રાહકો માટે સબ્સ્ક્રિપ્શન ફી વધશે અને સામગ્રીની વિવિધતા ઘટશે.
આ પણ વાંચો : ટ્રમ્પે ચાલુ બેઠકમાં ભારતનું નામ લઈને ટેરિફની ધમકી આપી, સસ્તા ચોખાની ‘ડમ્પિંગ’નો આરોપ
મનોરંજન ઉદ્યોગ પર આવા સંભવિત પ્રભાવો પડી શકે છે
જો આ સોદો પાર પડશે તો તેના નીચે મુજબના દૂરગામી પરિણામો જોવા મળી શકે છે:
1. મર્જરની લહેર ઉઠશે : આ મર્જરથી નેટફ્લિક્સનું કદ બેહિસાબ બધી જશે. એનું જોઈને Disney+, Amazon Prime Video, Paramount+ અને Apple TV+ જેવા એના સ્પર્ધકો પણ વધુ મજબૂત બનવા માટે નવા નવા મર્જર કરવા પ્રેરાય એવું બની શકે છે.
2. સામગ્રીનું વિકેન્દ્રીકરણ : આ સોદો અન્ય સ્ટુડિયો અને સ્વતંત્ર નિર્માતાઓને તેમની સામગ્રી માટે વધુ સ્પર્ધાત્મક બોલી મૂકવા અથવા નવા પ્લેટફોર્મ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, જેથી મનોરંજન સામગ્રીનું વિકેન્દ્રીકરણ પણ થઈ શકે એમ છે.
3. ગ્રાહકો અને કર્મચારીઓ પર અસર : ટૂંકા ગાળામાં, ગ્રાહકોને એક જ સ્થાને વધુ સામગ્રી મળવાનો ફાયદો થઈ શકે છે. પરંતુ લાંબા ગાળામાં, સ્પર્ધા ઘટવાથી ફી વધારો અને નવીનતા ઘટવાના જોખમો સર્જાઈ શકે એમ છે. કર્મચારીઓની નોકરીની સુરક્ષા અને સરેરાશ વેતન પર દબાણ પડી શકે છે.
મનોરંજન ઉદ્યોગમાં નિર્ણાયક વળાંક આવશે?
નવીન ટેકનોલોજી અને પારંપરિક મીડિયાના સંગમનું પ્રતીક એવો નેટફ્લિક્સ-વોર્નર બ્રધર્સ વચ્ચેનો આ સોદો સમગ્ર મનોરંજન ઉદ્યોગના ભવિષ્ય પર નિર્ણાયક અસર પાડશે. નિયમનકારીઓ, રાજકારણીઓ અને ઉદ્યોગ જગતના હિતધારકોએ સ્વસ્થ સ્પર્ધા, મનોરંજન સામગ્રીમાં વિવિધતાની ઉપલબ્ધતા અને ગ્રાહકોના હિતો જેવા મુદ્દાઓને આધારે આગળ વધવું પડશે.
આ પણ વાંચો : ચીનમાં કંપનીએ છ હાથવાળો અને 360 ડિગ્રી ફરી શકે તેવો રોબોટ બનાવ્યો










