અમદાવાદ,ગુરૂવાર
મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચ દરમિયાન લાઇવ મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટો રમાડતા બે બુકીઓને પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા બંને બુકીઓએ આઇપીએલ પર સટ્ટો રમાડવા માટે ત્રણ બુકીઓ પાસેથી આઇડી ખરીદી કર્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે રમાઇ રહેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટી-૨૦ મેચમા કેટલાંક બુકીઓ પ્રેક્ષક બનીને આવ્યા હોવાની બાતમી ડીસીપી ઝોન-૨ સ્ક્વોડના પીએસઆઇ કે ડી પટેલને મળી હતી. જેના આધારે સ્ટાફ સાથે વોચ ગોઠવીને સુશાંત ઓસ્વાલ અને રાહુલ ત્યાગી ( લક્ષ્મી સ્કાય સીટી, દાસ્તાન ફાર્મ પાસે, નરોડા)ને ઝડપીને તપાસ કરતા બંને આઇપીએલ પર લાઇવ સટ્ટો રમાડતા હતા. પોલીસે જપ્ત કરેલા બે મોબાઇલ ફોનમાં ત્રણ આઇડી મળી આવ્યા હતા. જેમાં અનેક સટ્ટોડિયાઓની યાદી મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ક્રિકેટ સટ્ટા માટેની આઇડી તેમણે અન્ય ત્રણ બુકીઓ પાસેથી ખરીદી કર્યા હતા.