![]()
મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સતત ત્રીજા દિવસે ઘટાડા તરફી રહ્યા હતા. પ્રારંભમાં સુધર્યા બાદ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો હતો. મિડકેપ શેરોમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. મિડકેપ શેરોમાં જંગી ધોવાણને કારણે બીએસઈમાં લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૮૩૦૦૦ કરોડ ઘટી રૂપિયા ૪૬૪.૦૮ લાખ કરોડ રહી હતી. મેટલ, ઓઈલ એન્ડ ગેસ, સુગર શેરોમાં આકર્ષણ રહ્યું હતું જ્યારે આઈટી, કેપિટલ ગુડસ ઈન્ડેકસ દબાણ હેઠળ રહ્યા હતા. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૫૦૨૦ તથા નીચામાં ૮૪૩૧૩.૬૨ પોઈન્ટ જોવાયા બાદ છેવટે ૨૭૫.૦૧ ઘટી ૮૪૩૯૧.૨૭ જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૫૯૪૭.૬૫ તથા નીચામાં ૨૫૭૩૪.૫૫ વચ્ચે અથડાઈને છેવટે ૮૧.૬૫ ઘટી ૨૫૭૫૮ પોઈન્ટ રહ્યો હતો. નિફટીમિડકેપ ૬૬૮.૪૫ ઘટી ૫૯૦૦૭.૭૫ બંધ રહ્યો હતો.
ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ વાૃધવાની ધારણાએ સુગર શેરો ઊંચકાયાઃ બલરામપુર, દાલમિયામાં આકર્ષણ
ખાંડ મિલોને લઘુત્તમ વેચાણ ભાવ વધારી આપવાની હિલચાલના અહેવાલે સુગર શેરોમાં લેવાલી નીકળી હતી. છેલ્લા કેટલાક સમયથી દબાણ હેઠળ રહેલા ભાવમાં નીચા મથાળેથી સુધારો જોવાયો હતો. શ્રી રેણુકા સુગર ૮૬ પૈસા વધી રૂપિયા ૨૬.૮૭, દાલમિયા સુગર રૂપિયા ૧૫ વધી રૂપિયા ૨૯૬.૮૫, બજાજ હિન્દુસ્તા ૮૩ પૈસા વધી રૂપિયા ૧૯.૮૩, બલરામપુર રૂપિયા ૩૧.૪૦ વધી રૂપિયા ૪૪૭.૭૫ બંધ રહ્યો હતો. વર્તમાન વર્ષમાં ખાંડનો પૂરવઠો વધુ રહેવાની ધારણાંએ સુગર શેરો દબાણ હેઠળ જોવા મળતા હતા.
મેટલ શેરોમાં આકર્ષણ જળવાયુંઃ હિન્દ ઝિંક, લોયડસ મેટલ્સ, વેદાંતા, જિંદાલ સ્ટેનલેસ વધ્યા
વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષ માટે જીડીપીનો આંક ઊંચો રહેવાની વિવિધ એજન્સીઓની ધારણાં વચ્ચે મેટલ શેરોમાં આકર્ષણ જળવાયું હતું. હિન્દ ઝિંક રૂપિયા ૨૧.૨૦ વધી રૂપિયા ૫૧૨.૬૫, લોયડસ મેટલ્સ રૂપિયા ૪૨ વધી રૂપિયા ૧૨૮૨, વેદાંતા રૂપિયા ૮.૦૫ વધી રૂપિયા ૫૨૪.૨૦, જિંદાલ સ્ટેનલેસ રૂપિયા ૧૦.૮૫ વધી રૂપિયા ૭૮૪.૮૦ બંધ રહ્યો હતો. નેલ્કો રૂપિયા ૨.૬૫ ઘટી રૂપિયા ૨૬૩, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂપિયા ૧૧ ઘટી રૂપિયા ૧૦૯૬.૮૦, હિન્દ કોપર રૂપિયા ૩.૪૫ ઘટી રૂપિયા ૩૫૯.૪૦ બંધ રહ્યો હતો.
અમે રિકામાં ૨૦૨૬ના આઉટલુકની જાહેરાત પહેલા નિફટી આઈટી ઈન્ડેકસમાં ૩૪૦ પોઈન્ટનું ગાબડ
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસની બેઠકના અંતે વ્યાજ દરના નિર્ણય ઉપરાંત ૨૦૨૬માં અમેરિકન અર્થતંત્ર કેવું રહેશે તેના સંકેત આવે તે પહેલા આઈટી શેરો દબાણ હેઠળ રહ્યા હતા. ભારત તથા અમેરિકા વેપાર કરાર અંગે પણ હજુ કોઈ સ્પષ્ટ ચિત્ર જોવા મળતું નહીં હોવાથી આઈટી શેરોમાં રોકાણકારો હળવા થઈ રહ્યા છે. ટીસીએસ રૂપિયા ૧૯.૧૦ ઘટી રૂપિયા ૩૧૮૯.૨૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૧૦.૮૦ ઘટી રૂપિયા ૧૫૫૦.૮૦, ઈન્ફોસિસ રૂપિયા ૧૪.૨૦ ઘટી રૂપિયા ૧૫૮૪.૮૦ બંધ રહ્યા હતા જ્યારે એચસીએલ ટેક રૂપિયા ૮.૪૦ વધી રૂપિયા ૧૬૬૬.૦૦ બંધ રહ્યો હતો.
નિફટી એનર્જી શેરોમાં મિશ્ર પ્રવાહઃ ટાટા પાવર, મહાનગર ગેસ, અદાણી એનર્જી, કોલ ઈન્ડિયા વધ્યા
દેશના અર્થતંત્રમાં મજબૂતાઈ વચ્ચે ઊર્જા માગમાં વધારો થવાની ધારણાં રાખવામાં આવી રહી છે ત્યારે એનર્જી શેરોમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો હતો. ટાટા પાવર રૂપિયા ૩.૬૦ વધી રૂપિયા ૩૭૯.૮૫, મહાનગર ગેસ રૂપિયા ૯.૮૦ વધી રૂપિયા ૧૧૧૫.૪૦, અદાણી એનર્જી રૂપિયા ૭.૯૫ વધી રૂપિયા ૯૮૨.૫૫, કોલ ઈન્ડિયા રૂપિયા ૨.૮૦ વધી રૂપિયા ૩૮૨.૧૫ બંધ રહ્યો હતો. રિલાયન્સ પાવરમાં કંપની વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીને પગલે ભાવમાં સતત ધોવાણ થઈ રહ્યું છે. બુધવારે ભાવ રૂપિયા ૧.૬૪ ઘટી રૂપિયા ૩૩.૯૮ રહ્યો હતો. સુઝલોન રૂપિયા ૧ ઘટી રૂપિયા ૫૧.૫૪ બંધ રહ્યો હતો.
રેપો રેટ ઘટયા બાદ નેટ ઈન્ટરેસ્ટ માર્જિન દબાણ હેઠળ આવી જવાના અંદાજે બેન્ક શેરોમાં વેચવાલી
એક તરફ ધિરાણ દરમાં ઘટાડા તથા બીજી બાજુ થાપણ પર ઊંચા દરને પરિણામે બેન્કોનું ઈન્ટરેસ્ટ માર્જિન દબાણ હેઠળ આવી જવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. બેન્ક ઓફ બરોડા રૂપિયા ૩.૭૫ ઘટી રૂપિયા ૨૮૬.૧૦, ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૧૦.૫૦ ઘટી રૂપિયા ૮૩૩.૮૫, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ૬૦ પૈસા ઘટી રૂપિયા ૮૦.૩૨, ફેડરલ બેન્ક રૂપિયા ૧.૨૫ ઘટી રૂપિયા ૨૫૯.૬૦ તથા પીએનબી રૂપિયા ૦.૬૭ ઘટી રૂપિયા ૧૧૭.૧૬ બંધ રહ્યો હતો. એકસિઝ બેન્ક રૂપિયા ૨.૭૦ વધી રૂપિયા ૧૨૭૮.૬૦ જ્યારે એસબીઆઈ ૦.૪૦ વધી રૂપિયા ૯૫૯.૭૫ બંધ રહ્યો હતો.
વિદેશી રોકાણકારોની રૂ. ૧૬૫૧ કરોડની વેચવાલી જ્યારે ઘરેલુ સંસૃથાઓની રૂ. ૩૭૫૨ કરોડની ખરીદી
બુધવારે શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની કેશમાં રૂપિયા ૧૧૭૦૦.૪૪ કરોડની ખરીદી અને રૂપિયા ૧૩૩૫૧.૫૦ કરોડની વેચવાલી સાથે રૂપિયા ૧૬૫૧.૦૬ કરોડની નેટ વેચવાલી રહી હતી. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની કેશમાં રૂપિયા ૧૬૮૬૮.૯૪ કરોડની ખરીદી અને રૂપિયા ૧૩૧૧૬.૬૩ કરોડની વેચવાલી સાથે રૂપિયા ૩૭૫૨.૩૧ કરોડની નેટ ખરીદી રહી હતી.










