Vadodara : ભૂવા નગરી અને ખાડોદરા બનેલા સંસ્કાર નગરી વડોદરામાં અગાઉ રોડ રસ્તા પર ભૂવા પડતા હતા પરંતુ સમા-સાવલી રોડ પર આવેલી ઊર્મિ સ્કૂલ બ્રિજ પર બે ફૂટ જેટલો ઊંડો ખાડો પડી જતા પાલિકા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. આ અંગે બ્રિજના સેમ્પલ લઈને યોગ્ય તપાસ કરીને કોન્ટ્રાક્ટર સહિત કસુરવારોને યોગ્ય કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે સમા-સાવલી રોડના એબેક્ષ સર્કલ પાસે ઓવરબ્રિજ બ્રિજનું નિર્માણ તંત્ર દ્વારા થઈ રહ્યું છે. જ્યારે બીજી બાજુ નજીકમાં જ આવેલા ઉર્વી બ્રિજ પર રોડની એક બાજુએ બે ફૂટ જેટલો ઊંડો ભૂવો પડી ગયાની જાણ થતા જ લોક આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસના પપ્પુ સોલંકીએ આ ભૂવામાં પોતાનો પગ નાખીને ભૂવો કેટલો ઊંડો છે તે બતાવ્યું હતું. અને ભાજપનો ઝંડો ભૂવા પર લગાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો.
બીજી બાજુ નજીકમાં જ બની રહેલા અન્ય બ્રિજ ખાતે પાલિકાનો કોઈ અધિકારી તપાસમાં નહીં હોવાનું પપ્પુ યાદવએ જણાવ્યું હતું. જો આવો બ્રિજ બની ગયો હોય ત્યારે પાલિકાના કોઈ અધિકારીએ ઘટના સ્થળે અચૂક હાજર રહેવું જોઈએ. નિયત સ્લેબની જગ્યાએ તેની જાડાઈ વધઘટ કરીને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર આચરી શકે તેવી શક્યતા રહેલી છે. આમ છતાં પણ બ્રિજ બનવાના સ્થળે પાલિકાનો કોઈ અધિકારી હાજર જણાયો ન હતો. જોકે ઊર્મિ સ્કૂલ પાસેના બ્રિજ પર પડેલો બે ફૂટ જેટલો ઊંડો ભૂવો ચિંતાનું કારણ બની રહેશે. અંગે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજના સેમ્પલ લઈને યોગ્ય તપાસ કરવા ઉગ્ર માંગ થઈ રહી છે.