![]()
છૂટકમાં વેચાણ કરવા માટે ગાંજાનો જથ્થો ઘરમાં રાખ્યો હતો
સ્પેશિયલ ઓપરેશન ગૃપે કુલ રૂ.૧.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધ્યો
ભાવનગર: શહેરના કરચલિયાપરા ટોળકીનગરના રહેણાંકી મકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગૃપે બાતમીના આધારે તપાસ કરતા છૂટક વેચાણના હેતુથી રહેણાંકી મકાનમાં રાખવામાં આવેલા રૂ.૧.૪૫ લાખની કિંમતના ૨.૯૧૧ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મામાકોઠા વિસ્તારના શખ્સને ઝડપી લઈ ગંગાજળિયા પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના મામાકોઠા રોડ વિસ્તારમાં રહેતા રવિ ઉર્ફે શેરો નટુભાઈ બારૈયા તેના મિત્ર કુમારના મકાનમાં ગાંજો રાખીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપે તપાસ કરતા મકાનના પાછળના રૂમમાંથી રૂ.૧,૪૫,૫૫૦ની કિંમતના ૨.૯૧૧ કિલોગ્રામ સુકો ગાંજા સાથે રવિ ઉર્ફે શેરો નટુભાઈ બારૈયા (રહે. મામાકોઠા, સાઈઠ ફળી)ને ઝડપી લઈ પુછપરછ કરતા પોતાને ગાંજો પીવાની ટેવ હોય અને જેથી સુરત રેલવે પટરી ખાતેથી ગાંજો લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસની પુછપરછમાં મકાનમાં હાજર મહિલાએ આ મકાન કુમાર પરમારનું હોવાનું અને હાલ તે મારામારીના કેસમાં જેલમાં હોવાનું જણાવ્યું હતું. આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગૃપે નાર્કોટિક્સ પદાર્થના વેચાણ, કબ્જાના કેસ ઉપરાંત ચોરી, દુષ્કર્મ, પ્રોહિબિશન જેવા ૨૪ જેટલા ગુનામાં સંડોવાયેલા રવિ ઉર્ફે શેરો નટુભાઈ બારૈયાને ઝડપી લઈ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.










