Surat News : ગુજરાતના સુરતના કપોદ્રામાં 9 એપ્રિલ, 2025ના રોજ પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની સેલ્ફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાની સામે આવ્યું હતું, ત્યારે આજે શુક્રવારે (11 એપ્રિલ, 2025) 118 રત્નકલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. જાણો શું હતો સમગ્ર મામલો.
મેનેજરના ભાણિયાએ ફિલ્ટરમાં ઝેરી દવા નાખી હતી
સુરતના કપોદ્રામાં 9 એપ્રિલ, 2025ના રોજ પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. જ્યારે આજે શુક્રવારે પોલીસે 118 રત્નકલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ફેક્ટરીમાં મેનેજરનો ભાણિયો નિકુંજ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ, નિકુંજે તેના મિત્ર પાસેથી લીધેલા 10 લાખ રૂપિયા ચૂંકવી ન શકતાં તેણે આપઘાત કરવાનું વિચાર્યું હતું. આ પછી તે દુકાનમાંથી ઝેરી દવા લાવે છે અને ઘટનાના દિવસે ફિલ્ટર પાસે જઈને પાણીના ગ્લાસમાં દવા નાખી હતી. તેવામાં દવા પીવાની હિંમત ન થતાં તે થોભી ગયો હતો અને આ દરમિયાન લોકોની અવર-જવરથી તે ગભરાઈને ઝેરી દવા ફિલ્ટરમાં નાખીને જતો રહ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડની કંપનીમાં 118 જેટલા રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેર દવાની અસર થઈ હતી. જેમાં કિરણ હોસ્પિટલમાં 104 દર્દી દાખલ કરાયા હતા. જેમાં જનરલ વોર્ડમાં 102 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 30 વર્ષીય રવિ પ્રજાપતિ અને 23 વર્ષીય જયદીપ બારિયાને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ, પાણીની ટાંકીમાં કોઈ અસામાજિક તત્ત્વોએ સેલ્ફોસ દવાની પડીકી નાખી હોવાનું સામે આવ્યું હતું. ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી હતી. જેથી પાણી પીધા બાદ રત્નકલાકારોને અસર થઈ હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.