આણંદના સામરખા ગામની સીમમાં
પ્લોટ પર આવવાનું નહીં, જમીન અમારી છે કહી પિતા, પુત્ર અને ભત્રીજા સહિત ચારે ધમકી આપી
આણંદ: આણંદ પાસેના સામરખા ગામની સીમમાં વેપારીના પ્લોટ ઉપર બાજુના પ્લોટના પરિવારના ચાર સભ્યોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે લેન્ડગ્રેબિંગ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ ખાતે રહેતા સચીનભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરા ગાડીઓ લે-વેચનો વેપાર કરે છે. ૨૦૨૨માં તેમના મિત્ર અલ્તાફભાઈ નૂર મહંમદભાઈ વ્હોરાએ તેમની પત્નીના નામે સામરખા સીમમાં આવેલ બે પ્લોટ વેચવાની વાત કરી હતી. ત્યારબાદ બંને પ્લોટ રસીદાબેન અલ્તાફભાઈ વ્હોરાના નામે હોવાથી અમેરિકાથી પ્લોટ વેચાણ માટે પાવર ઓફ એટર્ની કરી આપતા ૫-૧-૨૦૨૩ના રોજ વેચાણ દસ્તાવેજથી સામરખા સીમમાં આવેલ પ્લોટ સચિનભાઈ વ્હોરાએ વેચાણ રાખ્યો હતો. જ્યાં બાજુના પ્લોટવાળા વનરાજભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ તથા તેમનના પરિવારે પશુઓ બાંધી ચીજ વસ્તુ મૂકી કબજો કરી લીધો હતો. સચિનભાઈ અને મિત્ર મોહમ્મદ વસીમ પ્લોટ પર જતા વનરાજભાઈ તેમના દીકરા અને ભત્રીજાએ પ્લોટ પર આવવાનું નહીં કહી ધમકી આપી હતી.
આ અંગે અરજી અને તપાસ બાદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિએ હુકમ કરતા આણંદ ગ્રામ્ય પોલીસે વનરાજભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ, વ્રજેશ વનરાજભાઈ ભરવાડ, ગીરીશભાઈ વનરાજભાઈ ભરવાડ અને દેવરાજભાઈ ખેંગારભાઈ ભરવાડ તમામ રહે. સામરખા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.