શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર કાબૂ મેળવાયો
વિદ્યાનગર જીઆઈડીસીમાં સર્વિસ સ્ટેશન, નાવલીના કારખાનામાં અને ખાલી ગામમાં ફર્નિચરની ઓરડીમાં આગ
આણંદ: આણંદમાં ગુરૂવારની રાતે ત્રણ સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. વિદ્યાનગર જીઆઈડીસી, નાવલી ગામ અને ખાલી ગામમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગને આણંદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. ત્યારે નાવલી ગામમાં લાકડાના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જે બાજુના પોલ્ટ્રી ફાર્મ સુધી પ્રસરી હતી. આગથી પોલ્ટ્રી ફાર્મમાં ૧૦૦ મરઘાના મોત થયા હતા.
વિદ્યાનગરની જીઆઈડીસીના ફેસ-૪માં ગઈકાલ રાતે ૧૦.૪૫ કલાકે રોયલ એનફિલ્ડ સર્વિસ સ્ટેશનના વર્કશોપમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વર્કશોપમાં પાંચ વાહનો સળગી ગયા હતા. આણંદ ફાયર વિભાગની ટીમે ત્રણ વૉટર બાઉઝર, એક મીની ફાઈટરથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરી ચાલતી હતી ત્યારે વિદ્યા ડેરી રોડ ઉપર નાવલી ગામની સીમમાં લાકડાના કારખાનામાં પણ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
લાકડાના કારખાનામાંથી આગની વિકરાળ જ્વાળાઓ નજીકના પોલ્ટ્રી ફાર્મમાં પ્રસરતા ૧૦૦ જેટલા મરઘાના મોત થયા હતા. આણંદ બોરસદ રોડ ઉપર ખાલી ગામની સીમમાં રિસોર્ટ પાસે ફર્નિચર માટેની ઓરડીના મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉપરોક્ત બંને સ્થળે પણ આણંદ ફાયર બ્રિગેડની ટીમે જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો