પાલિતાણા-તળાજા રોડ ગોઝારો બન્યો : એક જ પરિવારના ત્રણ યુવાનોને ભરખી ગયો
થોરાળી ગામના ત્રણેય યુવાનોના મોતના પગલે ગામમાં ગમગીનીઃ રસ્તા વચ્ચે બંધ હાલતમાં પડેલાં ૧૮ વ્હીલના ટ્રકના ચાલકે રિફ્લેકટર કે ભયસૂચક સાઈન મુક્યા ન હતા
ભાવનગર/પાલિતાણા: ભાવનગર જિલ્લાના પાલિતાણાથી તળાજાને જોડતાં રોડ પર બનેલાં ગોઝારા અકસ્માકતમાં રાત્રિના સુમારે રસ્તા વચ્ચે પાર્ક થયેલાં ૧૮ વ્હીલના વિશાળ ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં થોરાળી ગામે રહેતાં એક જ પરિવારના ત્રણ પિતરાઈ ભાઈના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.અકસ્માતના પગલે ગામમાં આઘાત સાથએ ગમગીની છવાઈ હતી.
અકસ્માતની વિગત એવી છે કે,પાલિતાણા તાલુકાના થોરાળી(ડેમ)ગામ ખાતે રહેતા કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા તથા તેમના કાકાનો દિકરા ભાઈ રાહુલભાઈ ઠાકરશીભાઈ વાઘેલા અને અને અન્ય એક પિતરાઈ દિપકભાઈ શામજીભાઈ વાઘેલા જીજે-૦૪-એકે-૯૨૧૬ નંબરનું પેશન પ્રો બાઈક લઈને ગતરોજ રાત્રિના ૧૦ કલાકના અરસામાં કામ સબબ થોરાળીથી પાલિતાણા ગયા હતા.જે બાદ રાત્રિના ૧૦.૧૫ કલાકના અરસામાં પરત ફરી રહ્યા હતા ત્યારે, પાલિતાણાના તળાજા રોડ પર ભીલવાસ નજીક કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર કે ભયસૂચક સાઈન લગાવ્યા વિના રસ્તા વચ્ચે ઉભેલાં ૧૮ વ્હીલના ટ્રક નંબર જીજે-૦૪-એએક્સ-૨૨૮૩ની પાછળ બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે ત્રણેય બાઈકસવારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલાને તપાસીને મૃત જાહેર કર્યાં હતા. જોકે, અકસ્માતમાં ગંભીર ઈજા પામેલાં રાહુલભાઈ અને દિપકભાઈને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં ટૂંકી સારવારના અંતે રાહુલભાઈ ઠાકરશીભાઈ વાઘેલા (ઉ.વ.૨૫) અને દિપકભાઈ શામજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૦)નું મોત થતાં ગમખ્વાર અક્સ્માતમાં મૃતાંક ત્રણે પહોંચ્યો હતો. આ તરફ, એક જ પરિવારના ત્રણ-ત્રણ યુવાનોના મોતના પગલે પરિવારની સાથોસાથ સમગ્ર ગામમાં આઘાત સાથે અરેરાટી પ્રસરી ગઈ હતી.બનાવ અંગે બાલાભાઈ હિંમતભાઈ વાઘેલા (રહે.થોરાળી(ડેમ)) એ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જીજે-૦૪-એએક્સ-૨૨૮૩ નંબરના ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોેધી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુંસાર, ત્રણેય પિતરાઈ ભાઈઓ બાઈક પર પાલિતાણા નાસ્તો કરવા જઈ રહ્યાં હતા. પરંતુ પાલિતાણા પહોંચે તે પૂર્વે જ અકસ્માત સર્જાતા ત્રણેય યુવકો મોતને ભેટયા હતા.
રસ્તા વચ્ચે ટ્રક મુકી ડ્રાઈવર જમવા ગયો હતો
સ્થાનિક કક્ષાએથી મળતી વિગતો પ્રમાણે રસ્તામાં વીજ વાયર નીચેથી ટ્રક પસાર થઈ શકે તેમ નહી હોવાથી ટ્રક ચાલક રિફ્લેક્ટર કે ભય સુચક સાઈન લગાવ્યા વિના ટ્રક મુકી જમવા ચાલ્યો ગયો હતો અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. હાલ આ મામલે પોલીસ ટ્રક ચાલકને શોધવા તપાસ ચલાવી રહી છે.