Jamnagar : જામનગર નજીક બેડમાં રહેતો એક યુવાન પોતાની માતાની સારવાર કરાવવા માટે જામનગર આવ્યો હતો, અને એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા માટે એક શખ્સની મદદ લેતાં છેતરપિંડીનો શિકાર બન્યો છે. જેણે એટીએમ કાર્ડ બદલી નાખી પાસવર્ડ જાણી લીધા બાદ ખાતામાંથી રૂપિયા ચાલીસ હજાર ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે જામનગર તાલુકાના બેડમાં રહેતો દીપક તુલસીભાઈ સોનગરા નામનો 46 વર્ષનો યુવાન પોતાની માતાની સારવાર કરાવવા માટે જામનગર આવ્યો હતો, અને ઓશવાળ હોસ્પિટલમાં માતાને દાખલ કર્યા પછી પૈસાની જરૂરિયાત ઊભી થતાં નજીકમાં જ આવેલા બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો, જે દરમિયાન એટીએમ મશીન પાસે ઉભેલા એક યુવાનની મદદ લીધી હતી.
જેણે પૈસા ઉપાડવામાં મદદ કરતી વખતે પૈસા ગણવામાં રોકી રાખી તેનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું, અને સાથે સાથે પાસવર્ડ પણ જાણી લીધો હતો.
ત્યારબાદ દિપક સોનગરા હોસ્પિટલમાં જતાં થોડીવારમાં તેના ખાતામાંથી કટકે કટકે બે વખત વીસ-વીસ હજાર રૂપિયાની રકમ ઉપડી લીધાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી તેણે તરત જ બેંકનો સંપર્ક સાધ્યો હતો.
જે દરમિયાન બેંક અધિકારીએ તેનું એટીએમ કાર્ડ બદલી ગયું હોવાનું જણાવ્યું હતું. અને એટીએમ મશીન પાસેના સીસીટીવી કેમેરામાં શખ્સ દ્વારા એટીએમ કાર્ડ બદલી નાખ્યાનું ધ્યાનમાં આવ્યું હતું. જેણે બોગસ એટીએમ કાર્ડ આપીને બેડના યુવાનના કાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ પથકમાં લઈ જવાયો છે, અને અજ્ઞાત શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં5 પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.