Nal Se Jal Scheme News: સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે ‘નલ સે જલ’ યોજના પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે, પરંતુ નસવાડી તાલુકાના જેમલગઢ ગામમાં આ યોજના ભ્રષ્ટાચાર અને અધિકારીઓની બેદરકારીનો ભોગ બની હોય તેમ લાગી રહ્યું છે. ગામના આલિયાઘોડા ફળિયામાં બનાવવામાં આવેલી પાણીની ટાંકીઓ અને ઘરે-ઘરે નળ કનેક્શન હોવા છતાં ગ્રામજનો આજે પણ પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે.
400ની વસ્તી પણ પાઈપલાઈનમાં પાણી જ નથી
જેમલગઢ ગામના આલિયાઘોડા ફળિયામાં 40 થી વધુ ઘરો આવેલા છે, જેમાં અંદાજે 400 જેટલા લોકો વસવાટ કરે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા અહીં મોટી ટાંકીઓ બનાવવામાં આવી અને દરેક ઘરે નળ પણ બેસાડવામાં આવ્યા, પરંતુ યોજના સાકાર થઈ ત્યારથી આજદિન સુધી આ નળમાં પાણી જ આવ્યું નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણીની ટાંકીથી ગામ સુધીની લાઈનમાં અનેક જગ્યાએ લીકેજ હોવાથી પાણી ગામ સુધી પહોંચતું જ નથી.
ટીડીએસ વાળું પાણી પીવા ગ્રામજનો મજબૂર
શુદ્ધ પાણી આપવાના સરકારી દાવાઓ વચ્ચે લોકો ગ્રામ પંચાયતના વોટરવર્ક્સનું ટીડીએસ (TDS) વાળું અને અશુદ્ધ પાણી પીવા મજબૂર બન્યા છે. ઉનાળાના સમયમાં જ્યારે વોટરવર્ક્સના બોરના સ્તર નીચે જાય છે, ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બને છે.
હેડપમ્પનો સહારો
બોર સુકાઈ જતાં મહિલાઓએ હેડપમ્પ સીંચીને પાણી લાવવું પડે છે. ગામના 100 જેટલા પશુઓને ઉનાળામાં પાણી પીવડાવવું કઠિન બને છે, કારણ કે આસપાસની કેનાલો અને કોતરો સુકાઈ જાય છે.

રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા બાબતે અનેકવાર ગ્રામસભામાં અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, ભ્રષ્ટાચારી અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. અધિકારીઓના વાંકે સરકારના લાખો રૂપિયા વ્યર્થ ગયા છે અને જનતા સુવિધાથી વંચિત રહી છે.










