![]()
– ઝવેરી બજારમાં નવા વર્ષના આરંભમાં મિશ્ર હવામાન
– ક્રૂડતેલમાં ઘટાડો: ભારતમાં રશિયા ખાતેથી ક્રૂડતેલની ઈમ્પોર્ટ ઘટી ત્રણ વર્ષના તળિયે ઉતરી: પેલેડીયમમાં આગેકૂચ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે નવા વર્ષના પ્રથમ દિવસે કિંમતી ધાતુઓના ભાવમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. સોનાના ભાવમાં આંચકા પચાવી બજાર ફરી ઉંચકાઈ હતી જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૩૧૩થી ૪૩૧૪ ડોલરવાળા વધી ૪૩૧૯થી ૪૩૨૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ફંડો એક્ટીવ બાયર રહ્યા હતા. અમેરિકામાં નવા વર્ષમાં હવે વ્યાજના દરમા વધુ ઘટાડો થશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ત્યાં વ્યાજના દર ઘટશે તો વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટશે અને વૈશ્વિક સોનાના ભાવ વધશે એવી ગણતરી વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયો ઘટતા તથા ડોલર વધતાં સોનાના ભાવ પર તેની પણ પોઝીટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૩૭૪૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૭૭૦૦ રહ્યા હતા. જો કે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઘટી રૂ.૨૩૨૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૧.૮૬થી ૭૧.૮૭ વાળા ઘટી ૭૧.૬૫થી ૭૧.૬૬ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૨૬૬૨થી વધી રૂ.૧૩૨૯૨૭ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૩૧૯૫ વાળા રૂ.૧૩૩૪૬૧ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૦૪૨૦ વાળા જો કે ઘટી રૂ.૨૨૭૯૦૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૨૨૯૨૫૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૧૬થી ૨૦૧૭ વાળા વધી ૨૦૬૦થી ૨૦૬૧ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ૧૫૮૩થી ૧૫૮૪ વાળા વધી ૧૬૨૦થી ૧૬૨૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૬૫૫૬૧ વાળા વધી રૂ.૭૦ હજાર વટાવી ભાવ છેલ્લે રૂ.૭૦૦૮૨ રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૧.૭૦થી ૧.૭૫ ટકા માઈનસમાં રહ્યા હતા. ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં પણ પીછેહટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૧.૫૨ વાળા નીચામાં ૬૦.૬૩ થઈ ૬૦.૮૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૮.૨૩ વાળા નીચામાં ભાવ ૫૭.૨૦ થઈ ૫૭.૪૨ ડોલર રહ્યા હતા. ભારતમાં રશિયાથી આવતી ક્રૂડતેલની ઈમ્પોર્ટ ડિસેમ્બરમાં આશરે ૪૦ ટકા ઘટી ૩ વર્ષના તળિયે ઉતરી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં રશિયાથી આવી આયાત નવેમ્બરમાં દૈનિક સરેરાશ ૧૮.૪૦ લાખ બેરલ્સની આવી હતી તે ડિસેમ્બરમાં ઘટી દૈનિક સરેરાશ આશરે ૧૨ લાખ બેરલ્સ થયાના વાવડ મળ્યા હતા.
સોનું-૧,૩૭૭૦૦
ચાંદી -૨,૩૨૦૦૦










