![]()
Surendranagar Land NA Scam Case : સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ધરપકડ કરી છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ કડક કાર્યવાહી કરી હતી. EDએ રાજેન્દ્ર પટેલના 10 દિવસના રિમાંડ માંગ્યા હતા. જેમાં કોર્ટે રાજેન્દ્રના 5 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાના મોટા પાયે ચાલેલા ખેલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
આ તપાસમાં સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતીદેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગાંધીનગર સ્થિત નિવાસે EDના ધામા
આજે(2 જાન્યુઆરી, 2026) વહેલી સવારથી જ EDની ત્રણ અલગ-અલગ ટીમો રાજેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછમાં અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: 1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ
અન્ય અધિકારીઓ પણ રડારમાં
માત્ર કલેક્ટર જ નહીં, પરંતુ આ કૌભાંડમાં સામેલ અન્ય કર્મચારીઓ સામે પણ સકંજો કસાયો છે. આ કેસમાં અગાઉ ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), મયૂર ગોહિલ (કલેક્ટર ઓફિસ ક્લાર્ક) અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના અંગત મદદનીશ) સામે પણ ગુના નોંધાયા હતા. રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓના નામ બહાર આવે છે તેના પર સૌની નજર છે.










