Gujarat Electricity Theft: રાજ્યમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાના કારણે વીજ ચોરી કરનારા શખ્સો સામે ઝડપી અને અસરકારક કામગીરી થઇ શકે તે માટે રાજ્યમાં જીયુવીએનએલના 16 પોલીસ સ્ટેશન કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગ દરમિયાન 2,82,164 ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું અને પૈકીના 1,52,602 ગ્રાહકોએ વીજ ચોરીની રૂ. 1029 કરોડની રકમ ન ચૂકવતા તેમની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
વીજ ચોરીના ગુનામાં 3 વર્ષ જેલની સજા છતાં લોકો બેખૌફ
સુત્રોએ જણાવ્યું હતું કે, વીજ ચોરી કરતા શખ્સો સામે જીયુવીએનએલના 16 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરી ઇન્ડિયન ઈલેક્ટ્રીસિટી એક્ટ 2003ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે અને તેમાં દંડ અને ત્રણ વર્ષની સજાની જોગવાઈ હોવા છતાં લોકોમાં વીજ ચોરીનો કોઈ ડર ન હોય તે રીતે બે વર્ષમાં લાખોની સંખ્યામાં લોકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા.
ચેકિંગ માટે આવતી ટીમ પર પથ્થરમારો કરે છે
રાજ્યમાં ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલ એમ ચાર કંપની દ્વારા ગ્રાહકોને વીજળી સપ્લાઈ કરવામાં આવે છે. આ કંપની દ્વારા સમયાંતરે તેમના વિસ્તારમાં વીજ ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવે છે અને ડ્રાઇવ દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકોને દંડ સાથે રકમ ચૂકવવાનું જણાવવામાં આવે છે. જો કે, ગ્રાહકો દ્વારા રકમ ચૂકવવામાં ન આવે તો તેમની સામે જે તે જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’, પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી
વીજ ચોરીના સૌથી વધુ બનાવ સૌરાષ્ટ્રમાં
સુત્રાના જણાવ્યા પ્રમાણે વીજ ચોરી કરનારા શખ્સો એટલા બેખૌફ હોય છે કે, તેઓ ચેકિંગ માટે પોલીસ કાફલા સાથે આવેલી ટીમ પર પથ્થરમારો તેમજ હુમલો કરતા સહેજ પણ ગભરાતા નથી. છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગમાં ગયેલા સ્ટાફ પર હુમલાના 61 બનાવો બન્યા હતા અને તે અંગે જે તે શહેરના પોલીસ સ્ટેશનમાં અલગથી ફરિયાદો નોંધાવવામાં આવી છે. વીજ ચોરીના બનાવની વાત કરીએ તો ચોરીના સૌથી વધુ બનાવ પીજીવીસીએલ (સૌરાષ્ટ્ર)ની હદમાં નોંધાયા છે.
1,52,602 ગ્રાહકો સામે વીજ ચોરીનો ગુનો દાખલ
વર્ષ 2023-24માં રાજ્યમાં 19,67,024 વીજ કનેકશન ચેક કરવામાં આવતા તેમાં 1,50,920 કનેકશનમાં વીજ ચોરી થઈ હોવાનું તો વર્ષ 2024-25માં 18,92,777 વીજ કનેકશન ચેક કરવામાં આવતા 1,31,244 ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ 2,82,164 ગ્રાહકોને દંડ સાથેની રકમ ચૂકવવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ તે પૈકીના 1,52,602 ગ્રાહકોએ વીજ ચોરીની રૂા. 1029 કરોડની રકમ ન ચૂકવતા તેમની સામે વીજ ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા હતા.