![]()
– સેન્સેક્સ 84888 સપોર્ટ અને નિફટી 26055 ટેકાની સપાટીએ..
– સંપૂર્ણ દેવામુક્ત BANCO PRODUCTSનું 60 ટકા ડિવિડન્ડ પે-આઉટ, અપેક્ષિત ઈપીએસ રૂ.39 અને બુક વેલ્યુ રૂ.131 સામે રૂ.709 ભાવે ઉદ્યોગના સરેરાશ 38ના પી/ઈ સામે 24.5ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે
મુંબઈ : વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના બજારોની સાથે ભારતીય શેર બજારોમાં નવી રેકોર્ડ ઊંચાઈ જોવાઈ રહી છે. વર્ષ ૨૦૨૫ની વિદાય બાદ વર્ષ ૨૦૨૬ની શરૂઆત પોઝિટીવ થઈ છે. અલબત જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતું જોવાઈ રહ્યું છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલા અને સત્તા પલટાની કવાયત અને બીજી તરફ ચાઈનાએ તાઈવાન પર કબજો જમાવવા શરૂ કરેલી કવાયતને લઈ ફરી જોખમી પરિબળો સર્જાયા છે. બીજી તરફ આર્થિક મોરચે એક પછી એક દેશો પોતાની રક્ષણાત્મક નીતિ અપનાવીને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા ટેરિફ વધારાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં હવે ભારતે પણ સ્ટીલની આયાત મોંઘી બનાવી અને નિકાસોને અન્ય દેશોમાં પ્રોત્સાહનો માટેના પગલાં, પેકેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં મેન્યુફેકચરીંગ પ્રવૃતિ ધીમી પડી હોઈ ઘરઆંગણે ઉત્પાદન વૃદ્વિને પ્રોત્સાહન આપવા વધુ પગલાં અપેક્ષિત છે. વર્ષ ૨૦૨૫માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના અવિરત રોકાણ પ્રવાહના જોરે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ મજબૂતી જળવાઈ છે, પરંતુ ફોરેન ફંડોના સતત વેચાણ અને ઘણી કંપનીઓના શેરોમાં વેચીને એક્ઝિટ લેવાના વલણે ઘણા શેરોમાં ભાવો તૂટતાં જોવાયા છે. વર્ષ ૨૦૨૬માં ફોરન ફંડો ફરી નીચા ભાવોએ ખરીદદાર બનશે એવી અપેક્ષા અને કેન્દ્રિય બજેટની અપેક્ષિત જોગવાઈઓ ફરી શેરોમાં વ્યાપક તેજીને સંચાર કરશે એવી નિષ્ણાતો, સમીક્ષકોની અપેક્ષા છે. આ સાથે હવે કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બરના અંતની ત્રીજા ત્રિમાસિકની શરૂ થનારી સીઝનના પરિણામો સાથે બજારમાં બોટમફિશિંગ શરૂ થાય એવી શકયતા જોવાઈ રહી છે. વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૬૦૫૫ની ટેકાની સપાટીએ ૨૬૫૯૯ ઉપર બંધ આવતા ૨૬૮૬૬ અને સેન્સેક્સ ૮૪૮૮૮ની ટેકાની સપાટીએ ૮૬૬૨૨ ઉપર બંધ થતાં ૮૭૪૮૮ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : BANCO PRODUCTS(INDIA) LTD.
બીએસઈ (૫૦૦૦૩૯), એનએસઈ (BANCOINDIA) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ,વર્ષ ૧૯૬૧માં સ્થાપીત, QS 9000, ISO/9001 Certified, બાન્કો પ્રોડક્ટસ(ઈન્ડિયા) લિમિટેડ(BANCO PRODUCTS INDIA LIMITED), ઓટોમોટીવ અને ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ બન્ને માટે એન્જિન કૂલિંગ અને સીલિંગ સિસ્ટમ્સના બિઝનેસમાં અગ્રણી સ્થાન બનાવ્યું છે. કંપનીની એન્જિન કૂલિંગ સિસ્ટમ્સ માટેની ઉત્પાદન શ્રેણીમાં રેડિએટર્સ, ચાર્જ એર કૂલર્સ, ઓઈલ કૂલર્સ : ટ્રાન્સમિશન અને હાઈડ્રોલિક, ફયુલ કૂલર્સ, બેટરી કૂલર્સ, ઈન્વર્ટર કૂલર્સ, એલ્યુમીનિયમ અને કોપર/બ્રાસ કોન્ફિગ્યુરેશન્સ અને એસેસરીઝ એક્સપાન્શન ટેન્કસ, ફેન મોટર એસેમ્બલી, ફેન શ્રોડ અને ગાર્ડ અને વિવિધ માઉન્ટિંગ અને પ્લમ્બિંગ એસેસરીઝનો સમાવેશ થાય છે.
પ્રોડક્ટસ રેન્જ : એન્જિન સિલિન્ડર હેડ અને પેરિફરલ ગાસ્કેટ, હીટ શિલ્ડ અને ઈન્ડસ્ટ્રીયલ ગાસ્કેટ જેમાં વિશાળ મટીરિયલ રેન્જ અને સીલિંગની માંગવાળા એપ્લિકેશનો માટે કદ મુજબનો સમાવેશ થાય છે. મટીરિયલ્સમાં મલ લેયર્ડ સ્ટીલ (એમએલએસ), ગ્રેફાઈટ કમ્પોઝિટ ગાસ્કેટ, સ્ટીલ ફાઈબર કમ્પોઝિટ, ગાસ્કેટ, કોમ્પ્રેસ્ડ ફાઈબર જોઈનિંગ શીટ ગાસ્કેટ, રબર કોર્ક ગાસ્કેટ, રબર પ્રી-કોટેડ બીડેડ ગાસ્કેટ, એજ મોલ્ડેડ ગાસ્કેટ અને કોપર ગાસ્કેટ છે.
બાન્કો પ્રોડક્ટસ ઈન્ડિયા લિમિટેડ (એસઈઝેડ યુનિટ) -વાઘોડિયા ખાતે સ્પેશ્યલ ઈકોનોમિક જોન ખાતે સ્થાપીત આ પ્લાન્ટ વૈશ્વિક બજારો માટે કૂલિંગ સિસ્ટમના ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. વડોદરા નજીક આંખી ખાતે કંપનીનો પ્લાન્ટ વાર્ષિક ૧૦ કરોડ ગાસ્કેટથી વધુ ક્ષમતા ધરાવતા ગાસ્કેટની વ્યાપક શ્રેણીનું ઉત્પાદન કરે છે. બાન્કો પ્રોડક્ટસ ઈન્ડિયા લિમિટેડ ભારતમાં ચાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટો ધરાવે છે, જેમાં બે ગુજરાતમાં, એક તેલંગણામાં અને એક ઉત્તરાખંડમાં ધરાવે છે.
માર્કેટ સેગ્મેન્ટસ : જેમાં પેસેન્જર કાર, ટુ/થ્રી વ્હીલર્સ, યુટીલિટી વાહનો, કમર્શિયલ વાહનો- લાઈટ/મીડિયમ અને હેવી, કૃષિ ટ્રેકટર્સ, ફાર્મ અને ફોરેસ્ટ્રી સાધનો, કન્સ્ટ્રકશન અને મટીરિયલ હેન્ડલિંગ, ઈન્ડસ્ટ્રીયલ પાવર જનરેશન, સ્ટેશનરી અને મોબાઈલ કોમ્પ્રેશર્સ, રેલવે ટ્રેકશન લોકોમોટીવ, ટ્રાન્સફોર્મર કૂલર્સ, રીન્યુએબલ -વિન્ડ અને સોલારનો સમાવેશ છે. ઓઈએમ-બાન્કો એ ભારત અને વિદેશોમાં ઓઈએમ-ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરોની ડિઝાઈન અને મેન્યુફેકચરીંગ પાર્ટનરમાં પસંદગી છે. ગ્લોબલ ઓઈએમમાં કેટ, કમિન્સ, ટાટા, સેમે, ડોઈઝ, મહિન્દ્રા કંપનીના એન્જિન કૂલિંગ ઉત્પાદનો, મોડયુલો, સિસ્ટમ્સ અને એસેસરીઝની જરૂરીયાત માટે બાન્કોનો સંપર્ક કરે છે. આફટરમાર્કેટમાં બાન્કોના ઉત્પાદનો બ્રાન્ડ બાન્કો અને એનઆરએફ દ્વારા રજૂ થાય છે.
નિકાસ : બાન્કોના ઉત્પાદનો વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જે યુરોપ અને યુ.એસ.એ.માં ત્રણ મેન્યુફેકચરીંગ યુનિટો અને ૧૧ વેરહાઉસિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કેન્દ્રો સાથે તેની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી એનઆરએફ દ્વારા યુરોપિયન બજારોમાં પણ મજબૂત હાજરી ધરાવે છે.
સ્થાનિક બિઝનેસ-ભારત : ગાસ્કેટના પ્રમુખ ગ્રાહકોમાં મારૂતી, ટાટા મોટર્સ, હીરો હોન્ડા અને ટીવીએસ ગુ્રપ છે. હીટ એક્સચેન્જર્સ માટે પ્રમુખ ગ્રાહકોમાં ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોએલ, ટેફે, જેસીબી, ભારતીય રેલવે વગેરેનો સમાવેશ છે. સ્થાનિક બજારમાં ઓઈએમ વેચાણનો હિસ્સો ૮૦થી ૮૫ ટકા અને આફ્ટરમાર્કેટ વેચાણમાંથી ૨૦-૧૫ ટકા મેળવે છે.
આંતરરાષ્ટ્રીય બિઝનેસ : બાન્કોએ વડોદરા ખાતે ૧૦૦ ટકા ઈઓયુ યુનિટ સ્થાપ્યું છે, કંપની માટે મુખ્ય નિકાસ બજાર યુરોપીય યુનિયન-ઈયુ છે.
પ્રમુખ ગ્રાહકો : હીરો હોન્ડા, ટીવીએસ મોટર, ઈન્ડિયન રેલવેઝ, કેઓઈએલ, ટેફે, અશોક લેલેન્ડ, આઈશર, મહિન્દ્રા, ગોદરેજ, ટાટા, ટીવીએસ, સ્વરાજ મઝદા, જેસીબી, જહોન ડેરે, કમિન્સ, સેમ ડોઈઝ સહિતનો સમાવેશ છે.
આવકની ટકાવારી : ઓઈએમ પાસેથી ૫૫થી ૬૦ ટકા, આફટરમાર્કેટ ૧૫ ટકા અને નિકાસ થકી ૩૦ ટકા.
નાણાકીય વિગત :
કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં ૩૮.૯ ટકાથી વધુ નફા વૃદ્વિ-સીએજીઆર નોંધાવ્યો છે. કંપનીએ ઈક્વિટી પર વળતર-આરઓઈનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં ૨૮ ટકા આરઓઈનો રહ્યો છે. કંપનીએ ૬૦ ટકા સ્વસ્થ ડિવિડન્ડ પે-આઉટ જાળવ્યું છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૧૬.૨૩ ટકા વૃદ્વિએ રૂ.૩૧૮૭ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૪૭.૩૦ ટકા વધ)ીને રૂ.૫૩૪ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨.૨૯ ટકા થકી ચોખ્ખો નફો ૪૭ ટકા વધીને રૂ.૩૯૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૭.૩૯ હાંસલ કરી હતી.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૧૬.૫૦ ટકા વૃદ્વિએ રૂ.૩૭૧૩ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૬૨૨ કરોડ નોંધાવી, અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨.૫૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૬૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૨.૪૫ અપેક્ષિત છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૧૭.૫૦ ટકા વૃદ્વિએ રૂ.૪૩૫૦ કરોડ થકી અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૭૪૦ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨.૭૫ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૫૫૫ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૯ અપેક્ષિત છે.
બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૯૪માં ૧:૨ શેર, વર્ષ ૧૯૯૯માં ૧:૧ શેર, વર્ષ ૨૦૦૭માં ૧:૧ શેર અને વર્ષ ૨૦૨૪માં ૧:૧ શેર. ચાર બોનસ શેર ઈસ્યુઓ થકી રૂ.૨૮.૬૧ કરોડની પેઈડ-અપ ઈક્વિટી મુજબ ૯૧.૩૧ ટકા બોનસ ઈક્વિટી.
બુક વેલ્યુ : (રૂ.૨ પેઈડ-અપ મુજબ) : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૦૨.૦૯, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૦૩.૭૮, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૯.૪૩, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૯૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૩૧
ડિવિડન્ડ : વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૦૦ ટકા, વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦૦૦ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧:૧ શેર બોનસ, ડિવિડન્ડ નહીં, વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫૫૦ ટકા
ઈક્વિટી પર વળતર-આરઓઈ : પાંચ વર્ષ ૨૪ ટકા, ત્રણ વર્ષ ૨૮ ટકા, છેલ્લા વર્ષમાં ૩૨ ટકા
શેર ભાવ સીએજીઆર : પાંચ વર્ષમાં ૫૬ ટકા, ત્રણ વર્ષમાં ૯૦ ટકા અને એક વર્ષમાં ૩૮ ટકા










