![]()
અમદાવાદ, બુધવાર, 7 જાન્યુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલીયન ટ્રીના
ટેન્ડરનો વિવાદ એન્ટી કરપ્શન બ્યૂરો સુધી પહોંચ્યો છે.એ.સી.બી. એ બગીચા ખાતા
દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રોપાં રોપવા રુપિયા ૬૯ કરોડના મંજૂર કરાયેલ ખર્ચ
સામે રુપિયા ૧૩૧ કરોડ કેવી રીતે થઈ ગયો તેની માહિતી બગીચા ખાતાના ડિરેકટર પાર્કસ
એન્ડ ગાર્ડન પાસે માંગી છે.પ્લાન્ટેશનને લગતી તમામ માહિતી મેળવી એસીબી દ્વારા તપાસ
કરાશે.
કોર્પોરેશનનુ બગીચા ખાતુ છેલ્લા ઘણાં સમયથી એક પછી એક
કરવામા આવી રહેલા ટેન્ડરને લઈ વિવાદમાં આવ્યુ છે.બગીચા ખાતાના ડિરેકટર પાર્કસ એન્ડ
ગાર્ડન અમરીશ પટેલે કહયુ,
એન્ટી કરપ્શન બ્યૂરો વિભાગ તરફથી તેમને લેખિત પત્ર મળ્યો છે. આ પત્રમાં વિભાગ
તરફથી મિશન ફોર મિલીયન ઝૂંબેશ અંતર્ગત કરવામા આવેલા ટેન્ડર ઉપરાંત મંજૂર કરવામા
આવેલા અંદાજિત ખર્ચ સામે કયા સંજોગોમાં ખર્ચ વધીને રુપિયા ૧૩૧ કરોડ સુધી પહોંચ્યો
તે અંગે તમામ માહિતી માંગવામાં આવી છે. ડિરેકટર પાર્કસ એન્ડ ગાર્ડનના કહેવા મુજબ, અંદાજિત ખર્ચથી
થયેલા વધુ રકમના ખર્ચ અંગે તપાસ કરવા કોર્પોરેશને કમિટીની પણ રચના કરી છે. એસીબી
તરફથી માંગવામા આવેલી ટેકનીકલ કવોલીફીકેશન
સહિતની વિગતો આપવામા આવશે.










