![]()
એક સમયે પોલીસ તંત્રમાં દબદબો, હાલ વળતા પાણીના સંકેત
આરોપીઓ સામે આકરી કાર્યવાહી નહીં કરવાની ભલામણોનો ક્રાઇમ બ્રાંચ ઉપર ધોધ વછૂટયો હતો
રાજકોટ: નામચીન અને અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ગયેલા ભૂપત ભરવાડના જ્યાં સુધી પોલીસની વાત છે ત્યાં સુધી વળતા પાણી શરૂ થયાના સંકેતો મળી રહ્યા છે. એક સમયે તેની ઓફિસે કેટલાક પોલીસ અધિકારીઓ અને માણસો કુર્નિશ બજાવવા જતા હતા. જેમાંથી કેટલાક તો તેના પેરોલ પર હોવાનું ચર્ચાતું હતું.
થોડા વર્ષો પહેલા તત્કાલીન પોલીસ કમિશનર તેને ત્યાં એક પ્રસંગમાં હાજરી આપવા પણ ગયા હતા. જેના ફોટા વાયરલ થતાં ચર્ચા જાગી હતી. જેના પરથી ભૂપત ભરવાડનો પોલીસ તંત્રમાં કેટલો દબદબો છે તેનો અહેસાસ લોકોને થયો હતો.
બેડી ગામમાં દાળ-પકવાનના ધંધાર્થી વિપુલ વડેચા સહિત બે ઉપર ખૂની હુમલો કરવાના કેસમાં ભૂપત ભરવાડના ભત્રીજાઓના નામ ખૂલ્યા હતા. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી. જેની ટીમે તમામ રીતે ધોંસ બોલાવતા આખરે ભૂપત ભરવાડના બે ભત્રીજાઓ દેવશી બાબુતર, શ્યામ બાબુતર અને કિશન સરસિયા ગઇકાલે ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થઇ ગયા હતાં.
તે સાથે જ ક્રાઇમ બ્રાંચે ત્રણેય આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરી હતી. એટલું જ નહીં આજે ત્રણેય આરોપીઓને દોરડા બાંધી સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રકશન પંચનામુ પણ કર્યું હતું. તે પહેલા ક્રાઇમ બ્રાંચ પાસે ભૂપત ભરવાડના ભત્રીજાઓ ઉપર રહેમ રાખવા એટલે કે આકરી પૂછપરછ નહીં કરવા ઉપરાંત વરઘોડો નહીં કાઢવા સહિતની ભલામણોનો ધોધ છૂટયો હતો. પરંતુ કહે છે કે હાલના ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ તેને તાબે થયા ન હતા.
સાથોસાથ કોઇપણ શરતો માનવાનો ઇન્કાર કરી દીધો હતો. આ જ કારણ છે કે આ વખતે આકરી કાર્યવાહી સંભવ બની છે. ભૂપત ભરવાડ ઉપર હજુ પણ કેટલાક નેતાઓનું છત્ર હોવાનું કહેવાય છે. આમ છતા આ નેતાઓની પણ કોઇ ભલામણ નહીં ચાલ્યાની છાપ ઉપસી રહી છે.










