Gandhinagar Typhoid Outbreak: પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોએ માઝા મૂકી છે, ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની પૂછપરછ કરી હતી અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ખુલાસો: રોજ સરેરાશ 25 નવા કેસ
અમિત ચાવડાએ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મીતા પરીખ સાથે મુલાકાત કરી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. ડૉ. પરીખે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં 48 શંકાસ્પદ કેસ સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 25 નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરેક દર્દીના બે વાર ટાઈફોઈડ રિપોર્ટ કરવામાં આવે છે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને રજા આપવામાં આવે છે.

સરકારની બેદરકારીથી જનતા મરી રહી છે: અમિત ચાવડા
દર્દીઓની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ટ્રિપલ એન્જિન સરકાર હોવાના દાવાઓ અને કરોડોના ખર્ચ છતાં પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું નથી. 1લી તારીખથી સતત કેસો વધી રહ્યા છે, નાના બાળકો હોસ્પિટલમાં છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ તાયફામાં વ્યસ્ત છે.
અમિત ચાવડાએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે સેક્ટર-21 જેવા વિકસિત વિસ્તારોમાં પણ ટાઈફોઈડ પહોંચી ગયો છે. કોર્પોરેશન દ્વારા રોડ તોડવાના કામમાં બેદરકારી દાખવતા ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. સરકારની ગંભીર બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં છે. આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે ફોજદારી ગુના નોંધવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પ્રમુખે કરી છે. ગાંધીનગરમાં જે રીતે ટાઈફોઈડ વકરી રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનની કામગીરી પર વધુ દબાણ વધે તેવી શક્યતા છે.










