![]()
મુંબઈ : જુલાઈથી જૂનના વર્તમાન ક્રોપ યરની ખરીફ લણણીની ઓકટોબરથી ડિસેમ્બરની મોસમ દરમિયાન ડાંગરને બાદ કરતા મોટાભાગના ખરીફ પાકના ભાવ ટેકાના ભાવથી ૯થી ૩૦ ટકા જેટલા નીચે બોલાતા હોવાનું સત્તાવાર ડેટા પરથી જણાય છે.
ખરીફ પાકના નીચા ભાવ છતાં વર્તમાન રવી વાવણી વિસ્તારમાં ૩ ટકા વધારો જોવા મળ્યો છે. ઘઉં એ મુખ્ય રવી પાક છે.
ડાંગરના ભારત સ્તરના વેઈટેડ એવરેજ દર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૪૦૭ બોલાતા હતા જે તેના ટેકાના રૂપિયા ૨૩૮૯ ભાવથી એક ટકા જેટલા વધુ હતા.
મકાઈના ખેડૂતોને તેમના પાક પેટે ટેકાના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૪૦૦ના ભાવ સામે ૩૦ ટકા નીચા એટલે કે સરેરાશ રૂપિયા ૧૬૮૪ જેટલા ભાવ પ્રાપ્ત થયા હતા. આવી જ સ્થિતિ જુવારમાં જોવા મળી હતી. જુવારમાં ટેકાના ભાવ કરતા સરેરાશ નવ ટકા જ્યારે બાજરામાં ટેકાના ભાવ કરતા સરેરાશ ૧૬.૫૦ ટકા નીચા પ્રાપ્ત થયા હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
કઠોળમાં પણ ખેડૂતોને ટેકાના ભાવની સરખામણીએ નોંધપાત્ર માર પડયાનું જોવા મળ્યું છે. મગમાં ટેકાના ભાવથી સરેરાશ ૨૫ ટકા જ્યારે તુવેરમાં સરેરાશ ૧૭.૫૦ ટકા અને અડદમાં ૨૧.૯૦ ટકા ઓછા ભાવ પ્રાપ્ત થયા હતા.
ગયા નાણા વર્ષમાં કૃષિ ક્ષેત્રનું ગ્રોસ વેલ્યુ એડિશન (જીવીએ) ૪.૬૦ ટકા વધી રૂપિયા ૨૪.૭૭ લાખ રહ્યું હતું.
અન્ય ખરીફ પાક જેમ કે સોયાબીન, મગફળી તથા કપાસમાં પણ ખેડૂતોને ટેકાના ભાવથી નીચા ભાવ મળ્યા હતા.૨૦૨૫માં ચોમાસુ સારુ રહેતા ખરીફ વાવેતર તથા ઉત્પાદનમાં વધારો થયો હતો. ઊંચા ઉત્પાદનને કારણે ભાવ દબાણ હેઠળ આવી ગયા હોવાનું કૃષિ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું.










