![]()
Uttarayan 2026: ગુજરાતમાં આજે (14મી જાન્યુઆરી) ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે, પરંતુ આ આનંદની સાથે જ પર્યાવરણીય ચિંતા પણ વધી છે. અમદાવાદના આકાશમાં બુધવારે વહેલી સવારથી જ રંગબેરંગી પતંગોની સાથે પ્રદૂષણની ઘેરી ચાદર જોવા મળી હતી. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200થી 250ની વચ્ચે નોંધાયો છે, જે ‘ખરાબ’ શ્રેણીમાં ગણાય છે. તહેવારના માહોલ વચ્ચે હવામાં ભળેલા પ્રદૂષિત કણોએ અમદાવાદીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કર્યું છે, ખાસ કરીને પતંગબાજીની મજા વચ્ચે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.
ઠંડીનું જોર પણ યથાવત્
રાજ્યમાં ઠંડીનું જોર પણ યથાવત્ છે, જેમાં નલિયા 5.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. લઘુતમ તાપમાનનો પારો ગગડતા સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં 8.8 ડિગ્રી, ભુજમાં 9.6 ડિગ્રી અને ડીસામાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 12.6 ડિગ્રી અને વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન રહેતા પતંગરસિયાઓએ વહેલી સવારે ઠંડીમાં ઠરતા-ઠરતા અગાશીઓ પર કલબલાટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો: આજે પતંગપ્રેમીઓ વચ્ચે જામશે ‘આકાશી યુદ્ધ’, પવનની ગતિ 9 થી 11 કિ.મી. રહેવાની શક્યતા
આજે પવનની ગતિ મધ્યમ રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ, પતંગબાજો માટે પવનની ગતિ મધ્યમ રહેશે. 14મી જાન્યુઆરીએ પવનની ઝડપ 5થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે પતંગ ચગાવવા માટે સાનુકૂળ ગણાય છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની અને ઠંડીનો ચમકારો યથાવત્ રહેવાની સંભાવના છે. પવનની દિશા અને ગતિમાં થતા ફેરફારોને કારણે પતંગબાજોમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક પેચ લડાવવાની મજામાં થોડો વિઘ્ન પણ જોવા મળી શકે છે.
પ્રદૂષણના આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે. ખાસ કરીને થલતેજ, બોપલ, ગોતા, શાંતિગ્રામ અને રખિયાલ જેવા વિસ્તારોમાં AQIનું સ્તર સૌથી વધુ નોંધાયું છે. શિયાળાની ઠંડીને કારણે હવામાં જામતું ધુમ્મસ (Smog), વાહનોનો ધુમાડો અને પતંગબાજી દરમિયાન મોટા પ્રમાણમાં ફોડવામાં આવતા ફટાકડાને કારણે PM2.5 અને PM10 નું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે. આ ઝેરી હવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પર પણ અસર પડી છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોએ વધતા પ્રદૂષણને જોતા નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને અસ્થમા, ફેફસાની બીમારી કે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ, વૃદ્ધો અને નાના બાળકો માટે આ પ્રદૂષિત હવા હાનિકારક સાબિત થઈ શકે છે. પતંગબાજીની મજા માણતી વખતે માસ્ક પહેરવું અથવા પ્રદૂષણથી બચવા જરૂરી તકેદારી રાખવી હિતાવહ છે. ઉત્તરાયણનો આ પર્વ ખુશીઓ લાવ્યો છે, પરંતુ સાથે જ પ્રકૃતિ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી પણ યાદ અપાવી રહ્યો છે.
•બોડકદેવ 213
•ચાંદખેડા 206
•ચંદ્રનગર 173
•ઘૂમા 208
•ગોતા 358
•ગ્યાસપુર 199
•શાહીબાગ 29
•સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ 215
•શાંતીગ્રામ 250
•સોનીની ચાલી 221
•સાઉથ બોપલ 219
•કઠવાડા 198
•મણિનગર 203
•નિકોલ 279
•એરપોર્ટ 198
•થલતેજ 236
•ઉસ્માનપુરા 223
•વસંતનગર 234










