Anganwadi Worker Protest: ગુજરાતમાં 40 લાખથી વધુ બાળકો માટે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરતી 1 લાખ આંગણવાડી તથા 40 હજાર આશા વર્કરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઘણા સમયથી વણઉકેલાયેલી પડતર સમસ્યાઓને કારણે હવે આંગણવાડી બહેનોએ સરકાર સામે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પડતર માંગોના ઉકેલ માટે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આજે ગાંધીનગરમાં ધરણાં યોજવામાં આવ્યા હતા, જેમાં 26 જિલ્લાઓમાંથી આવેલ 1000થી વધુ આંગણવાડી વર્કરો અને આશા વર્કરો તેમજ ફેસીલેટર બહેનોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કર્યા હતા.

લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુતમ વેતનનો
આંગણવાડી કર્મચારી સંગઠન પ્રમુખ અરુણ મહેતાએ કહ્યું કે ‘લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુતમ વેતનનો છે. બહેનોને દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ઓછું અને લઘુતમ વેતન કરતાં પણ ન્યૂનતમ મહેનતાણું મળે છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટની બે જજની બેન્ચે પણ તા. 20 ઑગસ્ટ, 2025ના રોજ હુકમ કર્યો હોવા છતાં સરકાર રસ દાખવી કોઈ યોગ્ય નિર્ણય લઈ રહી નથી’

પત્રમાં કઈ કઈ માંગનો ઉલ્લેખ?
આંગણવાડી તથા આશા બહેનોના સંગઠને પત્ર જાહેર કરી માંગ કરી છે કે ‘નામદાર ગુજરાત હાઇકોર્ટની બે ન્યાયમૂર્તિઓની બેન્ચ દ્વારા આ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી નોકરીયાતને મળતાં લઘુતમ વેતન આપવાનો ચુકાદો ઑગસ્ટ 2025ના રોજ આપેલ છે તે માગણીનો અમલ ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી કરે, કેન્દ્ર સરકાર દ્વારા 2018થી પગાર વધારો આપેલ નથી તેમજ સંસદ સમક્ષ પગાર વધારો આપવાની કરેલ જાહેરાતનો પણ અમલ કરવો જોઈએ, આશા વર્કરો અને ફેસીલેટર બહેનોને ફિક્સ પગારદાર બનાવી લઘુતમ વેતન આપવામાં આવે, નિવૃત્તિ વયમર્યાદા અન્ય તમામ રાજ્યોની જેમ 60 કરવામાં આવે, ડિજિટલ કામગીરીની ફરજ પાડવામાં આવતી હોવાથી આંગણવાડી તથા આશા વર્કરોને સક્ષમ મોબાઇલ આપવામાં આવે, અનેક સાયબર ફ્રોડથી બચાવવા માટે એફઆરએસ, ઓટીપી આપવાની સિસ્ટમ બંધ કરવામાં આવે, નજીવો પગાર ધરાવનારી બહેનો ઉપર સતત કામગીરીનો બોજ વધારી કામ બાબતે ધાકધમકીનું વાતાવરણ ઊભું કરાયું છે તે ઉપર તાત્કાલિક લગામ મૂકવામાં આવે’
‘મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી..’: સંગઠન
વધુમાં પત્રમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે આ બધા જ પ્રશ્નોની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ તારીખ 10મી માર્ચ 2025ના રોજ કરવામાં આવી હતી અને તે સમયે મિનિસ્ટર કક્ષાની બેઠક યોજવાની ખાતરી અપાયા હોવા છતાં તે પાળવામાં આવી નથી. સતત બેઠક યોજાઈને ઉકેલ કરવાની રજૂઆતો છતાં બેઠકો યોજવામાં આવી નથી અને તેથી ગુજરાતની 1 લાખ આંગણવાડી તથા 40,000 આશા વર્કર બહેનોમાં ભારે રોષ ઊભો થયેલો છે અને માગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી સતત તબક્કા વાર આંદોલન કરવાની હામ ભરી છે.
સતત રજૂઆતો બાદ આંગણવાડીની બહેનોની ધીરજ ખૂટી છે, આજથી ગાંધીનગરમાં પડતર પ્રશ્નો ઉકેલવા ધરણાંનો સહારો લીધો છે. સરકારને કાને વાત વારંવાર પડી રહી છે પણ યોગ્ય નિર્ણય કરવામાં તંત્ર પાંગળું સાબિત થઈ રહ્યું છે.










