![]()
દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રહેતા તેલુગા સમાજના અનેક લોકોએ સુરતને પોતાની કર્મભુમિ બનાવી છે. અનેક લોકો સુરતીઓ જેવા બની ગયા છે પરંતુ તેમના વતનમાં ઉજવાતા તહેવારને જીવંત રાખવા માટેનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. તેલગુ સમાજ માટે મકર સંક્રાંતિનો તહેવાર ઘણો જ મહત્વનો હોય છે. સુરત સહિત અનેક ગ્યાએ આ તહેવાર એક દિવસનો હોય છે પરંતુ તેલગુ સમાજ માટે આ તહેવાર ત્રણ દિવસનો રહે છે જેમાં પહેલા દિવસે ભોગી, બીજા દિવસે ઉત્તરાયણ અને ત્રીજા દિવસે કનુમાની ઉજવણી થાય છે. સુરતના તેલગુ સમાજના બહુમતિવાળા વિસ્તારમાં મકર સંક્રાંતિનો આ તહેવારની ઝલક જોવા મળી છે. આ દિવસે પરંપરાગત વાનગીઓ સાથે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ભારતમાં વસતા તેલુગુ સમાજના મુખ્ય અને ભવ્ય તહેવારોમાંનો એક તહેવાર મકર સંક્રાંતિનો તહેવાર છે. ત્રણ દિવસના આ તહેવારની ઝલક સુરતમાં રહેતા તેલગુ સમાજની બહુમતિ વસ્તી ધરાવતા એવા ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાલાજી નગર, પર્વત, ગોડાદરા ખાતે આવેલ સુમન સ્મૃતિ આવાસ, સહજાનંદ સોસાયટીમાં તેલુગુ પદ્મશાળી સમાજ દ્વારા પરંપરાગત રીતે રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તેલગુ સમાજ દ્વારા મકર સંક્રાંતિનો તહેવારની ઉજવણી ત્રણ દિવસની થાય છે ત્યારે પહેલો દિવસ ભોગી, બીજો દિવસ મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) અને ત્રીજો મહત્વપૂર્ણ દિવસ કનુમા તરીકે ઉજવવામાં આવે છે. ભોગી, સંક્રાંતિ અને કનુમા દરમિયાન પરંપરાગત વાનગીઓ, હરિદાસ કીર્તન, ગંગીરેડ્ડુ રમતો (બળદ સાથે રમતો)અને વિવિધ લોકકલાઓથી સમગ્ર વાતાવરણ ઉત્સવી બની જાય છે.
આ વિસ્તારના ઘરો બહાર રંગોળી પરંપરાગત રીતે કરવામાં આવી હોવાથી જાણે સુરતમાં મીની તેલંગાણા હોય તેવું લાગી રહ્યું હતું. વિવિધ પ્રકારની પરંપરાગત તેમજ આધુનિક શૈલીની રંગોળીઓ રજૂ કરવામાં આવી, જેમાં મહિલાઓ અને યુવાનો દ્વારા પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું. રંગોળી સ્પર્ધા સમાજમાં સંસ્કૃતિ પ્રત્યેની લાગણી અને પરંપરાને જીવંત રાખવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્પર્ધામાં વિજેતા પ્રતિસ્પર્ધીઓને ઇનામો આપવામાં આવ્યા તેમજ તમામ ભાગ લેનારાઓને પ્રોત્સાહક ઇનામો આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો. આ કાર્યક્રમ માત્ર સ્પર્ધાત્મક ન રહી, પરંતુ પરિવાર અને સમાજને એકસાથે જોડતો સાંસ્કૃતિક ઉત્સવ બનાવી દેવામાં આવ્યો હતો. મકર સંક્રાંતિના પાવન તહેવારે સમાજના લોકોએ એકત્રિત થઈ પરંપરા, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપ્યો અને આ ઉજવણી કરી હતી. સમાજના લોકો એકત્રિત થઈ પરંપરા, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપ્યો હતો.










