જિલ્લા પોલીસની વોન્ટેડ આરોપીઓ પકડવાની ડ્રાઇવ અંતર્ગત
એલસીબી અને સ્થાનિક પોલીસની પાંચ જેટલી ટીમો બનાવીને હાલ આરોપીઓને શોધવા ખાસ કવાયત
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા
માટે ખાસ ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર એલસીબી ટુની ટીમ દ્વારા
કલોલ વિસ્તારમાં નોંધાયેલા ચોરી અને લૂંટના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લીધા છે
અને તેમને સ્થાનિક પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગર રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત
ગંભીર ગુનેગારોને પકડવા માટે વિશેષ અભિયાન શરૃ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ
લોકલ ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની પાંચ ટીમો બનાવવામાં આવી છે. ત્યારે
ગાંધીનગર એલસીબી ટુના પીઆઈ એચ.પી. પરમારના નેતૃત્વમાં ટીમોએ જિલ્લામાં લાંબા સમયથી
ફરાર આરોપીઓને શોધવા માટે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન મળેલી
બાતમીના આધારે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં નોંધાયેલા ચોરીના કેસનો
આરોપી વિક્રમ સબુરભાઈ વાદીને સિંદબાદ હોટલની સામેના બ્રિજ નીચેથી ઝડપી પાડવામાં
આવ્યો હતો. વિક્રમ હાલમાં તલોદ ગામના ઇન્દિરાનગરના છાપરા તળાવ કાંઠે રહે છે.ત્યારે
બીજા કેસમાં, કલોલ
તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ અને મારામારીના ગુનામાં વર્ષ ૨૦૨૪થી ફરાર
આરોપી કિરણ ગફુરભાઈ રબારીને પણ પકડી પાડવામાં આવ્યો છે. ભોંયણ રાઠોડ ગામના રહેવાસી
કિરણની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. જિલ્લામાં શરૃ કરવામાં
આવેલી આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા એક જ મહિનામાં ૧૫થી વધુ આરોપીઓને પકડી લેવામાં
આવ્યા છે જે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ગુનાઓમાં પોલીસથી ભાગતા ફરતા હતા.