Mehul Choksi Arrested By Belgium Police: દેશની સરકારી બેન્કમાં રૂ. 13500 કરોડનું કૌભાંડ કરી ફરાર મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. હીરાના વેપારી મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કમાંથી લગભગ 13500 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. મેહુલ ચોક્સીની આ ધરપકડથી આશંકા સેવાઈ રહી છે કે, તેનું ઝડપથી ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે. મેહુલ ચોક્સી પોતાની બીમારીની સારવાર માટે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાની ફિરાકમાં હતો. તે સમયે બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ બેલ્જિયમથી ઉદ્યોગપતિ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની માગ કરતાં આ ધરપકડ થઈ હોવાનું બેલ્જિયમ ઓથોરિટીએ જણાવ્યું છે. 2018ની શરૂઆતમાં, પંજાબ નેશનલ બેન્કમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં હીરા વેપારી નીરવ મોદી ઉપરાંત, તેની પત્ની આઈમી, તેનો ભાઈ નિશાલ અને કાકા મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે.
પ્રત્યાર્પણ જટિલ બની શકે
ભારતની બેલ્જિયમ સાથે પ્રત્યાર્પણ સંધિ છે. કેરેબિયન ક્ષેત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો થયો હતો કે, મેહુલ ચોક્સી બેલ્જિયમમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “મેહુલ ચોક્સી હાલમાં તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહે છે. તેણે દેશનું F રેસિડેન્સી કાર્ડ મેળવી લીધું છે.” આ અહેવાલ માર્ચ 2025માં પ્રકાશિત થયો હતો. જેમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે બેલ્જિયમના ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની અપીલ કરી છે. જોકે, ભારતીય અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
જોકે, કાનૂની નિષ્ણાતોના મતે, મેહુલ ચોક્સી બેલ્જિયમમાં જામીન માટે અરજી કરી શકે છે અને ભારત સરકારની પ્રત્યાર્પણની વિનંતીનો વિરોધ કરી શકે છે. ચોક્સીની કાનૂની ટીમ તેની બ્લડ કેન્સરની બીમારીને મજબૂત દલીલ તરીકે રજૂ કરી પ્રત્યાર્પણનો અસ્વીકાર કરી શકે છે. મેહુલ ચોકસીએ દાવો કર્યો હતો કે તે લ્યુકેમિયાથી પીડિત છે, જેને બ્લડ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બેલ્જિયમના એક ડૉક્ટરની ભલામણ રજૂ કરી હતી કે, તે મુસાફરી કરવા માટે “100 ટકા” અયોગ્ય છે.
આ પણ વાંચોઃ 13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2018થી ફરાર હતો
નીરવ મોદી લંડનની જેલમાં કેદ
નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે અને તેની જામીન અરજી અનેક વખત ફગાવી દેવામાં આવી છે. તે ભારત પ્રત્યાર્પણ સામે કાનૂની લડાઈ લડી રહ્યો છે. બેન્કે દાવો કર્યો હતો કે આ બધા આરોપીઓએ બેન્ક અધિકારીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને બેન્કને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
2018માં દેશનું સૌથી મોટુ બેન્કિંગ કૌભાંડ
પંજાબ નેશનલ બેન્કે સૌપ્રથમ જાન્યુઆરી 2018માં નીરવ મોદી, મેહુલ ચોક્સી અને તેમના સહયોગીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેના પર 280 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ ભારતનો સૌથી મોટું બેન્કિંગ કૌભાંડ હતું. આ કેસમાં ચોક્સી અને તેનો ભત્રીજો નીરવ મોદી આરોપી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ચોક્સીને શોધી રહી હતી.