મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના નામે વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને ૭ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ ટુકડેટુકડે રૃ.૧.૮૯ કરોડ પડાવી લીધા હોવાનો વધુ એક કિસ્સો બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
પોલીસે મહિલા વિશે કોઇ પણ માહિતી આપવાનો ઇનકાર કરી કહ્યું હતું કે,આ મહિલા જૂનાપાદરા રોડ વિસ્તારના મકાનમાં નિવૃત્ત જીવન ગાળી રહી છે.ઓગષ્ટ-૨૪માં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વિક્રમસિંગના નામે મહિલાને ફોન આવ્યો હતો અને તેમના આધાર તેમજ મોબાઇલ નંબરનો ઉપયોગ હ્યુમન ટ્રાફિકિંગ,ડ્રગ્સ,મની લોન્ડરિંગ,આઇડેન્ટિટી થેપ્ટ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવા ગુનાઓમાં ઉપયોગ થયો હોવાથી ધરપકડ કરવાની વાત કરી હતી.
મહિલાએ ઘણો બચાવ કર્યો હતો.પરંતુ ઠગોએ અમારા માણસો ત્યાં આવીને ધરપકડ કરશે તેમ કહી તપાસમાં સહકાર આપવા દબાણ કર્યું હતું.તેમણે વીડિયો કોલ કટ નહિ કરવા અને સતત સંપર્કમાં રહેવા વારંવાર ધમકી આપી હતી.આ ઉપરાંત બેન્ક એકાઉન્ટની રકમ સરકાર પાસે રહેશે અને જેવી ક્લિન ચીટ મળતાં જ પરત કરી દેવાશે તેમ કહ્યું હતું.
ગભરાઇગયેલી મહિલાએ કાયદાને માન આપવા તૈયાર થઇ ગઇ હતી.તેને વારંવાર ટોર્ચર કરી બરોડા બેન્ક,સ્ટેટ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી.મહિલાએ સાત મહિનામાં રૃ. ૧.૮૯ કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી પરંતુ આ રકમ પરત નહિં મળતાં આખરે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.
ઓનલાઇન ઠગોના કરતૂતો જાહેર કરવામાં પણ પોલીસની આનાકાની
ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં પોલીસે મહિલાની ઓળખ જાહેર કરી નથી. અધિકારીનું કહેવું છે કે,મહિલાએ આ શરતે જ ફરિયાદ કરી છે.જો કે,પોલીસ નામ જાહેર ના કરે તે સમજી શકાય.પરંતુ ઠગોએ આટલા મહિના સુધી કઇ રીતે ટોર્ચર કરી હશે તેના કરતૂતોનો વિગતવાર ભાંડો ફોડવો જોઇતો હતો.જેથી કોઇ વ્યક્તિ ચેતી શકે.
વડોદરાની એક મહિલાને અગાઉ પણ ડિજિટલ એરેસ્ટ કરી હતી
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં પ્રથમ ડુપ્લેક્સમાં રહેતી રિના ઢેકાણે નામની મહિલાને પણ અગાઉ કુરિયરમાં ડ્રગ્સના નામે ટોર્ચર કરીને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી રૃ.એક લાખ પડાવ્યા હતા.આ મહિલાએ વીડિયો પણ ઉતાર્યો હતો અને પોલીસ ફરિયાદ પણ કરી હતી.
ઠગોએ ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરી મોકલ્યા
ઓનલાઇન ઠગાઇ કરતા ઠગો દ્વારા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ,સીબીઆઇ અને સાયબર ક્રાઇમ સેલના નામે ડોક્યુમેન્ટ બનાવી મોકલવામાં આવતા હોય છે.જેથી સામે વાળી વ્યક્તિ આસાની થી ફસાઇ જાય.વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને પણ આવી જ રીતે ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા હોવાથી પોલીસે તમામ ડોક્યુમેન્ટ કબજે લેવા તજવીજ કરી છે.
ડિજિટલ એરેસ્ટ થી બચવા શું કરવું જોઇએ
ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓથી બચવા માટે કેટલીક સાવચેતી જરૃરી છે.જેમ કે, પોલીસ ક્યારેય ફોન કે વીડિયો પર એરેસ્ટ કરતી નથી.ફોન કરનારને સામેથી મળવા આવીએ છીએ તેમ કહેવાથી તેઓ સમજી જશે.આવી જ રીતે બેન્કમાંથી રકમ ટ્રાન્સફર કરતા પહેલાં બેન્ક અધિકારી કે સાયબર સેલને જાણ કરવી જોઇએ.કુરિયર,ડ્રગ્સ જેવા નામે ધમકી મળે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી ના જોઇએ.આવા કોઇ પણ કિસ્સામાં રેકોર્ડિંગ કે સ્ક્રીનશોર્ટ લેવા જોઇએ.