Ahmedabad News : ગુજરાતમાં દિવ્યાંગો માટે વિવિધ પોસ્ટ પર સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ સ્થિત અંધજન મંડળ દ્વારા અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં અંધજન મંડળ સંસ્થા દ્વારા GPSC સહિત અન્ય સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે 14 એપ્રિલથી 16 એપ્રિલ સુધી ફોર્મ ભરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સોમવારે અંધજન મંડળ ખાતે 30 દિવ્યાંગ ઉમેદવારોને સરકારી ભરતીના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા.
16 એપ્રિલ સુધી ચાલશે કેમ્પ
અમદાવાદના વસ્ત્રાપુરના 132 ફૂટ રિંગ રોડ સ્થિત આવેલા અંધજન મંડળના બીજા માળની બિલ્ડીંગ નંબર 8માં ડી.ડી.યુ.જી.કે.વાય. સેન્ટર ખાતે 14 એપ્રિલથી 16 એપ્રિલ સુધી દિવ્યાંગો માટે બહાર પડેલી વિવિધ સરકારી ભરતીના ફોર્મ ભરી આપવામાં આવશે. જેમાં સમય સવારે 11:30 થી સાંજ 6:00 વાગ્યા સુધીમાં દિવ્યાંગોને સરકારી ભરતી માટે અરજી કરી આપવામાં આવશે. આ સાથે docs.google.com ગુગલ ફોર્મના માધ્યમથી દિવ્યાંગોને ફોર્મ ભરી આપવામાં આવે છે.
આજે 30 દિવ્યાંગોના ફોર્મ ભરી અપાયા
અંધજન મંડળના જનરલ સેક્રેટરી ડૉ. ભૂષણ પુનાનીએ જણાવ્યું હતું કે, ‘આગામી 16 એપ્રિલ સુધી દિવ્યાંગો માટે અંધજન મંડળ સંસ્થા દ્વારા સરકારી ભરતીના ફોર્મ ભરી આપવાની પહેલ કરી છે. અમે ગુજરાતના વિવિધ ભાગોમાંથી 6 લોકોને તાલીમ આપી છે, જેઓ દિવ્યાંગજનને અરજી ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ રહ્યા છે. જેમાં આજે સોમવારે 30 દિવ્યાંગોના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ દિવસમાં 200 અરજીઓ પૂર્ણ કરવાનો અમારો લક્ષ્યાંક છે.’
આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધો.10-12નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા, સરકારે આપ્યા સંકેત
આ ડોક્યુમેન્ટ રહેશે આવશ્યક
1. શાળાનું પ્રમાણપત્ર
2. અનુસૂચિત જાતિ (SEBC) પ્રમાણપત્ર
3. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો (EWS) માટે પાત્રતા માપદંડ
6. વિકલાંગતાનું સર્ટિફિકેટ (disability certificate)
7. H.S.C. માર્કશીટ
8. બધી જ માર્કશીટ 12+ કોલેજની
9. ડિગ્રી સર્ટીફિકેટ
10. પાસપોર્ટ સાઈઝનો ફોટો