Crude Oil Prices Drop Below $70 Amid US-China Trade War : અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરના કારણે કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. ભારતમાં આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઇલની કિંમત કોરોના કાળ કરતાં પણ ઓછી થઈ ગઈ છે. ભારતમાં આયાત કરાઇ રહેલા ક્રૂડ ઓઇલની કિંમત ઓગસ્ટ 2021 બાદ પહેલીવાર 70 ડોલરની નીચે ગઈ છે. આટલું જ નહીં ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત પણ 65 ડોલરથી ઓછી થઈ ગઈ છે. એવામાં સવાલ એ થાય છે કે પ્રજાના પૈસે લીલા લહેર કરી રહેલી પેટ્રોલિયમ કંપનીઓ અને સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો ક્યારે કરશે? ભારત 87 ટકા કાચું તેલ આયાત કરે છે.
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ભારતમાં 89 ડોલરની કિંમતમાં ક્રૂડ ઓઇલની આયાત થતી હતી, હવે ઘટીને 69.39 ડોલર પ્રતિ બેરલ થઈ છે. જાણકારોનું માનવું છે કે ગ્લોબલ ટ્રેડવૉર અને મંદીનો ભયના કારણે હજુ પણ ભાવ ઘટાડો થશે. Goldman Sachsનું અનુમાન છે કે 2025ના અંત સુધીમાં ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત 63 ડોલર થઈ જશે.
સરકાર અને તેલ કંપનીઓને બખાં
સસ્તા ક્રૂડ ઓઇલના કારણે સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓ મબલખ કમાણી રહી છે. જાણકારો અનુસાર પેટ્રોલિયમ કંપનીઓ એક લિટર પેટ્રોલ કે ડીઝલ પર 10થી 12 રૂપિયાનો નફો કરી રહી છે. કારણ કે કાચા તેલની કિંમત તો ઘટી રહી છે પણ પેટ્રોલ ડીઝલ આજે પણ મોંઘું જ વેચાઈ રહ્યું છે. આવક વધારવા માટે સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી પણ બે રૂપિયા વધારી દીધી, જેથી પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી વધુ પૈસા વસૂલી શકાય. જેનાથી સરકારને હજારો કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે કાચા તેલની કિંમત 60થી 65 ડોલરના સ્તર પર આવી જાય છે પછી પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.