Bihar Politics: બિહારની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી( RLJP)એ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)સાથે સંબંધો તોડી નાખ્યા છે. આરએલજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે પોતે પટનામાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘અમે 2014થી અત્યાર સુધી NDA સાથે હતા, પરંતુ NDAના લોકોએ અમારી સાથે અન્યાય કર્યો છે.’ હવે પશુપતિ પારસ મહાગઠબંધનમાં જોડાઈ શકે છે.
મહાગઠબંધનમાં જોડાવવા સત્તાવાર પુષ્ટિ થઈ નથી
અહેવાલો અનુસાર, પટનામાં પશુપતિ પારસ ગુરુવારે (17મી એપ્રિલ) બિહાર ચૂંટણી સંબંધિત મહાગઠબંધનની પ્રથમ ઔપચારિક બેઠકમાં પણ હાજરી આપશે. જોકે, આરએલએસપી કે મહાગઠબંધનના કોઈપણ પક્ષ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો પારસ આ બેઠકમાં હાજરી આપે છે, તો તેઓ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીના મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરશે.
આ પણ વાંચો: રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, ભીમરાવ આંબેડકર જ્યંતી(14મી એપ્રિલ) પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પશુપતિ પારસે સત્તાવાર રીતે NDA છોડવાનો નિર્ણય જાહેર કર્યો. 2024ની લોકસભા ચૂંટણીમાં બાજુ પર મૂકાયા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી(BJP)થી નારાજ હતા. છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં, ભાજપે પારસની પાર્ટીને બદલે એલજેપીના ચિરાગ પાસવાન જૂથને પ્રાધાન્ય આપ્યું હતું. આ કારણે, RLJP લોકસભા ચૂંટણી લડવા માટે એક પણ બેઠક મેળવી શકી નહીં.