(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૨૫ની કલમ ૩૯માં કરવામાં આવેલા ફેરફારને પરિણામે ૨૭મી એપ્રિલ ૧૯૮૨થી પહેલી સપ્ટેમ્બર ૨૦૦૧ વચ્ચે કોઓપરેટીવ સોસાયટીમાં ફ્લેટ ખરીદનારાઓ અને ૧૨મી એપ્રિલ ૧૯૯૪થી પહેલી સપ્ટેમ્બર ૨૦૦૧ના ગાળામાં નોન ટ્રેડિંગ એસોસિયેશને ફાળવેલી જમીન પર બાંધેલી મિલકત ખરીદનારાઓએ તેમની બાકી સ્ટેમ્પ ડયૂટી પર હવે ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટીના ચાર ગણો દંડ ભરવો પડશે. પરિણામે રૃા. ૫૦,૦૦૦ની સ્ટેમ્પ ડયૂટી ભરવાની થતી હશે તો તેવા કિસ્સાઓમાં બે લાખની સ્ટેમ્પ ડયૂટી જમા કરાવવાની ફરજ પડશે. અત્યાર સુધી તેના પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી ઉપરાંત માત્ર રૃા. ૨૫૦નો દંડ ભરીને ડયૂટીની જવાબદારી ક્લિયર કરી શકાતી નહી. નવા સુધારેલા કાયદા મુજબ માસિક બે ટકાની પેનલ્ટી લેવામાં આવશે.
૧૯૮૨થી ૨૦૦૧ના ગાળામાં મકાન બન્યા પછી પહેલીવાર તેનું વેચાણ કરવામાં આવે તો તેના પર કોઈ જ સ્ટેમ્પ ડયૂટી લેવામાં આવતી નહોતી. આ મકાનો માત્ર એલોટમેન્ટ લેટર પર જ આપવામાં આવતા હતા. ૧૯૮૨ની સાલમાં એલોટમેન્ટ લેટર પર ફ્લેટ કે મિલકત ખરીદનારાઓએ ૨૦૨૨ સુધી કોઈ જ સ્ટેમ્પ ડયૂટી ભરવાની આવતી નહોતી. પરંતુ ૨૦૨૨ની સાલમાં સરકારે એકાએક પરિપત્ર કરીને ૧૯૮૨ની ૨૭મી એપ્રિલથી પહેલી સપ્ટેમ્બર ૨૦૦૧ વચ્ચે એલોટમેન્ટ લેટર પર મિલકત ખરીદનારાઓ પાસેથી સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનો નિર્ણય કરતો પરિપત્ર કરી દીધો હતો. તેથી જૂના ફ્લેટના સોદા થાય ત્યારે તેના પર આજે થતાં સોદાની રકમ પ્રમાણે આજના દરે લેવા પાત્ર સ્ટેમ્પ ડયૂટીની રકમ ભરવી પડે છે. તદુપરાંત એલેટમેન્ટ લેટર પર લીધેલા ફ્લેટની તે વખની કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડયૂટી જમા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરિણામે ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળામાં ફ્લેટ લેનારાઓને માથે મોટા ખર્ચનો બોજ તો આવી જ ગયો હતો. તેણે ફ્લેટની કિંમત અન ેસાઈઝ પ્રમાણે સ્ટેમ્પ ડયૂટી ભરવા ઉપરાંત હવે તેના પર ૩૦૦ ટકાની પેનલ્ટી પણ ચૂકવવી પડશે. માસિક બે ટકાના દરે તે બાકી રકમ પેનલ્ટી લેવાનું પણ ૨૦૨૫માં સુધારેલા કાયદા મારફતે નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે સામાન્ય જનતાને મથે મોટો બોજ આવી જશે. એલોટમેન્ટ લેટર પર ખરીદેલી મિલકત પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી ભરવામાં ન આવે તો તે ફ્લેટનું વેચાણ થાય તો પણ નવી સ્ટેમ્પ ડયૂટી લઈને તેનું રજિસ્ટ્રેશન જ કરવામાં આવતું નથી. પરિણામે ઘણાં લોકોએ નવા કાયદા પ્રમાણે સ્ટેમ્પ ડયૂટીનો બોજ મન કે કમને વેંઢારવા માંડયો છે.