દાહોદ તા.૧૫ રાજસ્થાન તેમજ દાહોદ પોલીસે સરહદી વિસ્તારમાં ચાલતા નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ કરી વધુ તપાસ કરતાં તેલંગાણાની નિઝામાબાદ જેલમાં બંધ હૈદર સિદ્દીકી પીરની માસ્ટર માઈન્ડ તરીકેની ભૂમિકા બહાર આવી છે. રાજસ્થાન અને દાહોદ પોલીસે આ કૌભાંડમાં કુલ ૧૭ શખ્સોની ધરપકડ કરી છે.
રાજસ્થાન ઉપરાંત દાહોદ પોલીસની તપાસમાં પણ નકલી નોટોના રેકેટમાં તેલંગાણાના હૈદર પીરની માસ્ટર માઈન્ડ તરીકે સંડોવણી બહાર આવી હતી. દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેલંગાણાના નિઝામાબાદ જેલમાં બંધ હૈદર પીરની કસ્ટડી લેવાની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન તા.૧૧ એપ્રિલના રોજ બાસવાડા પોલીસે હૈદર પીરની હૈદરાબાદ જેલમાંથી કસ્ટડી લઈ બાસવાડા લઈ આવી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
દાહોદ જિલ્લા પોલીસે ઝડપી પાડેલા હરીશચંદ્ર ઉર્ફે વિષ્ણુભાઈ પંચાલ તેમજ તેના ભાઇની મુખ્ય ભૂમિકા સામે આવી છે. ફતેપુરાના દંપતિ સહિતના શખ્સોને માસ્ટર માઈન્ડ હૈદર પીર સાથે મુલાકાત કરાવનાર હરિશશ્ચંદ્ર પંચાલ જ હતો. એટલું જ નહીં આનંદપુરીમાં પકડાયેલા નકલી નોટોના રેકેટમાં પણ વિષ્ણુ પંચાલની સંડોવણી સામે આવી છે. હરિશ ઉર્ફે વિષ્ણુ પંચાલના ભાઇની પણ નકલી નોટોના કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસ તેને પણ શોધી રહી છે.
જૂના સિક્કા અને નોટો ઉપર તાંત્રિક વિધિ દ્વારા નોટોનો વરસાદ કરવાના હતાં
નકલી નોટોના કૌભાંડમાં પકડાયેલા ફતેપુરાના લીંબડીયા ગામના દંપતી તેમજ ઝાલોર અને વાગડના યુવકને એકના ડબલ કરવાની લાલચ આપી પંચાલ બંધુઓએ બનાવટી નોટોના રેકેટમાં સામેલ કર્યા હતા. આ પહેલા દંપતિ અને બંને યુવકો ૧૯૩૮ માં ચલણમાં આવેલા રાણી વિક્ટોરિયાના ચાંદીના સિક્કા, તેમજ બે હરણવાળી પાંચની નોટોની શોધમાં હતા. તાંત્રિક વિધિ કરી નોટોનો વરસાદ કરવાની ફિરાકમાં હતા. દરમિયાન એકના ડબલ કરવાની લાલચમાં ફસાયા અને બનાવટી નોટોના રેકેટમાં સામેલ થયા હતા.