મુંબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ અને ટેરિફ વોરને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે મુખ્ય વ્યાજ દર યથાવત રાખી અમેરિકાના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો અને સાથોસાથ ફુગાવો વધવાના સંકેત પણ આપ્યા હતા.
ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક દર ૪.૨૫ ટકાથી ૪.૫૦ ટકાની રેન્જમાં યથાવત રાખ્યા છે. પ્રાપ્ત થનારા ડેટા, ઊભરી રહેલા આઉટલુક તથા જોખમ સમતુલાની આકારણી કરાશે એમ ફેડરલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયુ હતું.
વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વિકાસ દર ૧.૭૦ ટકા રહેવા અને ફુગાવો વધી ૨.૭૦ ટકા પહોંચવા ફેડરલ રિઝર્વે ધારણાં મૂકી છે. આર્થિક વિકાસ દરની ધારણાં પહેલા ૨.૧૦ ટકા મુકાઈ હતી.
જો કે તાજેતરના નિર્દેશાંકો આર્થિક પ્રવૃત્તિ મજબૂત રીતે આગળ વધી રહ્યાના સંકેત આપે છે. બેરોજગારીનો દર નીચા સ્તરે સ્થિર થયો છે એમ પણ નિવેદનમાં જણાવાયું હતું.
અમેરિકાના વેપાર ભાગીદાર દેશોના માલસામાન પર જોરદાર ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પની યોજનાને પરિણામે ફુગાવા તથા આર્થિક વિકાસ દર અંગેના ફેડરલ રિઝર્વના આઉટલુકને અસર થઈ છે, એમ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે બે દિવસની બેઠકના અંતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
આવા પ્રકારના પગલાંથી ફુગાવો ઊંચે જશે અને વિકાસને ફટકો પડશે. અનિશ્ચિતતામાં અસાધારણ વધારાને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં બદલાવ લાવવા કોઈ ઉતાવળમાં નહીં હોવાની પોવેલે સ્પષ્ટતા કરી હતી.
અમેરિકામાં ફુગાવાને બે ટકાના સ્તર પર લાવવા ફેડરલ રિઝર્વ લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યું છે. વ્યાજ દર યથાવત રાખવાના ફેડરલના નિર્ણય બાદ ફેડરલ પર દબાણ લાવવા ટ્રમ્પે એક સંદેશમાં ફેડરલને રેપો રેટ ઘટાડવા જણાવ્યું હતું જેથી નવા ટેરિફની પોતાની યોજનાને ભરપાઈ કરી શકાય.
જો કે વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં બે વખત કપાતની પોતાની ધારણાંન ફેડરલે જાળવી રાખી છે.