– શહેરને સ્વચ્છ કરવા સેનેટરી ઈન્સપેક્ટર્સને મનપાનો આદેશ
– ચકલાસી ભાગોળ પાસે ગંદકીથી ખદબદતી કાંસ, ફતેપુરા રોડની ગંદકીના ફોટા ઉપર સુધી મોકલાયા
નડિયાદ : ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાલ નડિયાદ શહેરમાં સ્વચ્છતા અંગે સર્વેક્ષણ શરૂ કરાયું છે. એકાએક સર્વેક્ષણ શરૂ થતાં તંત્ર પણ સફાળું જાગી ઉઠયું છે અને તમામ સેનેટરી ઈન્સપેક્ટર્સને દિવસ-રાત એક કરી આખા શહેરને ઉતાવળે સ્વચ્છ કરી નાખવાના નિર્દેશ કરી દેવાયા છે.
ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન-અર્બન અંતર્ગત દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ થાય છે. આ વર્ષ માટે કેન્દ્ર સરકારમાંથી પાંચ સર્વેયર સાથે સર્વેક્ષણ કરવા ટીમ નડિયાદમાં મોકલી છે. ટીમ દ્વારા ગઈકાલ મંગળવારથી શહેરના જુદા-જુદા વોર્ડમાં જાહેર માર્ગોથી માંડી અને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આજે ચકલાસી ભાગોળ નજીક ટીમના સભ્ય દ્વારા ગંદકીથી ખદબદતી કાંસના ફોટોગ્રાફ્સ અપડેટ કરાયા હતા અને આ સિવાય ફતેપુરા રોડ પર અસહ્ય ગંદકીનો પણ ચિતાર ઉપર સુધી રજૂ કરાયો હતો. આ સિવાય શહેરના અન્ય વોર્ડમાં પણ હાલ સર્વેક્ષણ ચાલી રહ્યું હોવાથી મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા તમામ સેનેટરી ઈન્સપેક્ટરને કામે લગાડયા છે. સર્વેક્ષણની વચ્ચે તમામ સ્થાનો ચકચકાટ કરી નાખવા જણાવ્યું છે. દર વર્ષે સર્વેક્ષણ સમયે આ પ્રકારે ખાસ સફાઈ અભિયાન હાથ ધરી અને સ્વચ્છ સ્થાનોનું જ સર્વેક્ષણ થાય તે માટે ખાસ ધ્યાન રખાય છે, પરંતુ હવે આ વખતે તો સર્વેક્ષણ કરવા આવેલી ટીમ દ્વારા ગંદકીથી ખદબદતી તમામ ખુલ્લી કાંસો અને આ સિવાય અંતરિયાળા વિસ્તારોની ગંદકીના ફોટોગ્રાફ્સનો પણ પોતાના રીપોર્ટમાં સમાવેશ કરાયો છે. ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણના આંકડા જાહેર થાય, ત્યારે નડિયાદની શું પરીસ્થિતિ હશે, તેની પર સૌની નજર રહેશે.
જો ડોર ટુ ડોરનું સર્વેક્ષણ થાય તો તંત્રની પોલ ખૂલી જાય
થોડા મહિનાઓ અગાઉ નડિયાદ નગરપાલિકા સમયે ધારાસભ્યની ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ડોર ટુ ડોરની કામગીરીનું ખાનગીકરણ કરી નાખ્યું હતું, જેમાં ક્લીન ઈન્ડિયા એજન્સીને કોન્ટ્રાક્ટ આપી અને એક ઘર દીઠ કચરો ઉઘરાવવા દૈનિક ૩૩ રૂપિયા ચુકવણું નક્કી કરાયું હતું. જેનો હિસાબ કરોડોમાં પહોંચે છે, ત્યારે આ વચ્ચે જો ડોર ટુ ડોરની વાસ્તવિકતા ચકાસવા સર્વેક્ષણ કરાય તો અનેક વિસ્તારોમાં હજુ ડોર ટુ ડોરની કોઈ જ સુવિધા ઉપલ્બ્ધ ન હોવાનું સ્પષ્ટ થાય તેવી સ્થિતિ છે.
હાલમાં ક્વોલિફાઈડ થયેલા સેનેટરી ઈન્સપેક્ટર પણ નથી
નડિયાદ નગરપાલિકા સમયથી હાલ મહાનગરપાલિકામાં પણ ચીફ સેનેટરી ઈન્સપેક્ટરની કાયમી ભરતી કરાઈ નથી અને સેનેટરી ઈન્સપેક્ટરને ચીફ સેનેટરી ઈન્સપેક્ટરનો ચાર્જ આપી રખાયો છે. આ સાથે જ વોર્ડમાં ફાળવેલા સેનેટરી ઈન્સપેક્ટર્સ મોટાભાગે સબંધિત ક્વોલિફીકેશન ધરાવતા નથી. માત્ર ભલામણશાહીના આધારે કરાર પર રાખવામાં આવેલા હોવાથી સફાઈની સ્થિતિ ન સુધરતી હોવાની ચર્ચાઓ છે.