– હિન્દુઓના ધાર્મિક ટ્રસ્ટોમાં મુસ્લિમોને સામેલ થવાની છૂટ આપશો ? : કેન્દ્રને સુપ્રીમનો સવાલ
– સરકારી અધિકારી સિવાયના સભ્યો મુસ્લિમ, કોર્ટો દ્વારા વક્ફ જાહેર કરાયેલી સંપત્તિ બિનવક્ફ ના ગણવી, કલેક્ટરની સત્તાની જોગવાઇ જેવા મુદ્દે આજે નિર્ણય
નવી દિલ્હી : વક્ફ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા સુધારા કરવામાં આવ્યા છે. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે. આવી ૧૦ અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કાયદામાં કરાયેલા સુધારા અંગે કેન્દ્ર સરકારને કેટલાક સવાલો કર્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં વક્ફમાં સુધારા સામે ફાટી નીકળેલી હિંસા અંગે પણ સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવી હિંસાઓને સ્વીકારી ના શકાય. આ મામલે હવે ગુરુવારે પણ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે જે દરમિયાન કોઇ વચગાળાનો આદેશ જારી કરે તેવા સંકેતો બુધવારે આપ્યા હતા. જોકે તે પૂર્વે કેન્દ્ર સરકારને સુપ્રીમે ઘણા સવાલો કર્યા હતા.
આ અરજીઓની સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર, ન્યાયાધીશ કે. વી. વિશ્વનાથનની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે હાલ જે હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે તે બહુ જ હેરાન કરનારી છે. હાલ કોર્ટમાં વક્ફ મામલે મામલા ચાલી રહ્યા છે ત્યારે આવી ઘટનાઓ ના થવી જોઇએ. કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓને એવુ લાગી રહ્યું છે કે હિંસા ભડકાવીને તેઓ સિસ્ટમ પર દબાણ ઉભુ કરી શકશે. જ્યારે અરજદાર તરફથી હાજર વરીષ્ઠ વકીલ કપિલ સિબલે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કોણ કોના પર દબાણ કરી રહ્યું છે તે આપણે નથી જાણતા.
બાદમાં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે બિલમાં કેટલાક સકારાત્મક પાસા પણ છે જેને ઉજાગર કરવા જોઇએ. જ્યારે અરજદારો તરફથી જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા તેને લઇને પણ મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારને સવાલો કર્યા હતા. સુપ્રીમે સવાલ કર્યો હતો કે શું હિન્દુઓના ધાર્મિક ટ્રસ્ટોમાં મુસ્લિમોેને પણ સામેલ થવા દેશો? માત્ર પૂર્વ સરકારી હોદ્દો ધરાવતા સભ્યો સિવાય વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના તમામ સભ્યો મુસ્લિમ હોવા જોઇએ, વક્ફ બાય યૂઝર સહિતની જે પણ સંપત્તિઓને વક્ફ સંપત્તિ જાહેર કરી દેવામાં આવી હોય તેને લઇને ફરી નોટિફાય નહીં કરી શકાય તેવો અમે આદેશ આપી શકીએ, જોકે કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારનો આદેશ આપતા પહેલા સુનાવણી થવી જોઇએ. જેને પગલે બાદમાં સુપ્રીમ કોર્ટે હાલ કોઇ જ નિર્ણય નહોતો લીધો અને મામલાને ગુરુવાર સુધી મુલતવી રાખ્યો હતો. તેથી ગુરુવારે ફરી આ મુદ્દે અરજદારોના વકીલો અને કેન્દ્ર સરકાર વચ્ચે દલીલો થશે.
સુપ્રીમ કોર્ટે ત્રણ મુદ્દાઓ પર વચગાળાનો આદેશ આપવાના સંકેતો આપ્યા છે, પ્રથમ મુદ્દો છે જ્યાં સુધી સુનાવણી ચાલી રહી છે ત્યાં સુધી કોર્ટો દ્વારા કોઇ સંપત્તિને વક્ફ જાહેર કરી દેવામાં આવી હોય તેને ફરી વક્ફ તરીકે ડી-નોટિફાઇ નહીં કરી શકાય, પછી તેમાં વક્ફ બાય યૂઝર કે વક્ફ બાય ડીડ સંપત્તિ જ કેમ ના હોય. એટલે કે કોર્ટો દ્વારા જે સંપત્તિને વક્ફ સંપત્તિ જાહેર કરાઇ હોય તેને વક્ફ સંપત્તિ જ માનવી, બિન વક્ફ સંપત્તિ માનવી નહીં. બીજો મુદ્દો છે કે નવા કાયદાની જોગવાઇ મુજબ જો કોઇ એવી સંપત્તિ કે જેના પર સરકારી હોવાનો દાવો થઇ રહ્યો હોય અને કલેક્ટર દ્વારા તેની તપાસ ચાલી રહી હોય તેને વક્ફ સંપત્તિ ના માનવી, આ જોગવાઇનો હાલ અમલ નહીં થાય. માત્ર અધિકારીઓ સિવાય વક્ફ બોર્ડ કે કાઉન્સિલમાં તમામ સભ્યો મુસ્લિમ હોવા જોઇએ. આ ત્રણેય મુદ્દાને લઇને ગુરુવારે કોઇ વચગાળાનો આદેશ જારી થવાની શક્યતાઓ છે.