Image : filephoto
Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલ મંગળ બજાર ખાતે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. અહીં ગેરકાયદેસર રીતે બેસતા વેપારીઓના લારી, ગલ્લા, પથારા જપ્ત કરવા સાથે એક ટ્રક ભરી સામાન કબજે લેવાયો હતો. કાર્યવાહી કરી દબાણ શાખાની ટીમ રવાના થયાના થોડા જ ક્ષણમાં ફરી દબાણ ઊભા થઈ ગયા હતા ત્યારે વધુ એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
શહેરની મધ્યમાં આવેલા મંગળ બજારમાં મુખ્ય માર્ગ પર અડીંગો જમાવી વર્ષોથી અહીંના કેટલાક વેપારીઓ ધંધો કરી રહ્યા છે. વારંવાર પાલિકા તંત્રએ અહીં દબાણ હટાવવાની કામગીરી કરવી પડતી હોય છે. જે અંતર્ગત આજે પાલિકાની દબાણ શાખાની ટીમ મંગળ બજાર ખાતે પહોંચી હતી. દબાણ શાખાની ટીમ પહોંચે તે અગાઉ પોલીસ પણ આવી પહોંચતા સંખ્યાબંધ દબાણ કરનારાઓ પોતાના દબાણો અહીંથી હટાવી લીધા હતા. આ વચ્ચે પાલિકાની દબાણ શાખાએ અહીંથી એક ટ્રક જેટલો સામાન કબજે કર્યો હતો. દબાણ શાખા કાર્યવાહી કરી રવાના થયા બાદ ગણતરીની મિનિટોમાં પુન: ફરી દબાણ જૈસે થે થઈ ગયા હતા. ત્યારે તંત્ર અહીં માત્ર દેખાણા પૂરતી કાર્યવાહી કરતું હોય તેમ જણાઈ રહ્યું છે અને નક્કર પરિણામ આવી રહ્યું નથી. વળી દુકાન બહારના લટકણીયા લગાવનારા સામે પણ કાર્યવાહી ન થતા પાલિકાની કામગીરી વારંવાર સવાલોના ઘેરામાં આવી રહી છે.