![]()
વડોદરા,માંજલપુરની મારૃતિધામ સોસાયટીમાં પાલતુ કૂતરાના મુદ્દે ઝઘડો થતા મહિલા પર બેટથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડયો છે.
માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતા વિકાસ રજનીકાંતભાઇ વીરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે ૯ વાગ્યે અમારી લાઇનમાં રહેતા દીપરાજ અશોકસિંહ ચૌહાણ તેઓના કૂતરાને લઇને ફરવા નીકળ્યા હતા. જેઓ અમારા ઘરની સામે ઊભા રહ્યા હતા. તેમનો કૂતરો ભસતો હોઇ મારા પત્ની વૈશાલબેને તેઓને કૂતરો લઇને આગળ જતા રહેવા કહ્યું હતું. તે સમયે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ દીપરાજ ચૌહાણ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ હું પ્રસાદ લેવા બજારમાં ગયો હતો. તે દરમિયાન મારી માતાએ ફોન કરીને જણાવ્યું કે, દીપરાજ ચૌહાણ વેશાલીને બેટથી માર મારે છે. હું રસ્તામાંથી પરત ઘરે આવ્યો ત્યારે મારી પત્ની વૈશાલીના મોંઢામાંથી લોહી નીકળતું હતું. દીપરાજ હુમલો કરીને ભાગી ગયો હોવાનું મારા પરિવારે જણાવ્યું હતું. મારી પત્નીને જડબા અને કોણીના ભાગે ફ્રેક્ચર થયું હતું. તેમજ જમણા ખભા તથા નાક પર પણ ઇજા થઇ હતી.










