UP News: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વર તાલુકાના સ્યાના ચૌપલા સ્થિત ઇન્દ્રાનગર કોલોનીમાં રહેતા 41 પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ મકાનોમાંથી એક ડઝન મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યા છે.
તળાવની જમીન પર ગેરકાયદે કબજો કર્યાનો આરોપ
આ નોટિસને કારણે લોકો ડરી ગયા છે કે તેમનાથી તેમનું મકાન છીનવાઇ જશે. નગર પાલિકાના વકીલ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે, જેમાં આરોપ લગાવાયો છે કે લોકોએ તળાવની જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે. ઇન્દ્રાનગર કોલોનીની કુલ વસ્તી લગભગ બે હજાર છે અને અહીંના લોકો 40 વર્ષથી અહીં વસવાટ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના ‘ખાસ’
હાઉસ ટેક્સ વસુલ્યા બાદ આપી ઘર ખાલી કરવાની નોટિસ
પીડિતોના જણાવ્યા અનુસાર, નગરપાલિકા દ્વારા અહીં રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. પાણીની ટાંકીની સાથે સરકારી નળ અને વીજળી આપવામાં આવી છે. અહીં રહેતા લોકો પાસેથી હાઉસ ટેક્સ અને પાણીનું બિલ પણ વસૂલ કરવામાં આવે છે. હવે અચાનક તેમને મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના કારણે આ લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં!
એક પીડિતાના જણાવ્યું કે, અગાઉ અહીં ઝૂંપડપટ્ટી હતી. ત્યારબાદ પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ હપ્તા મળ્યા અને મકાન બનાવવામાં આવ્યું હતું. કોઈ અધિકારીએ જણાવ્યું ન હતું કે આ જમીન તળાવની છે. બીજી બાજુ ગઢમુક્તેશ્વરના અધિકારી મુક્તા સિંહે જણાવ્યું છે કે, મકાન ખાલી કરવા નહીં પણ દસ્તાવેજ માંગવામાં આવ્યા છે. ડીએમ પ્રેરણા શર્માએ જણાવ્યું છે કે કેસની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓની સમીક્ષા કરાશે.