– નિશિકાંત દુબે સાથે અમે સંમત નથી : ભાજપ અધ્યક્ષ નડ્ડા
– કુરેશી ચૂંટણી કમિશનર નહીં પણ મુસ્લિમ કમિશનર ભાજપ સાંસદ દુબેનું વધુ એક વિવાદિત નિવેદન
– દુબે સામે અવમાનનાની કાર્યવાહી માટે સુપ્રીમના વકીલે એટર્ની જનરલને પત્ર લખી સંમતિ માગી
– દુબે અને શર્મા રીઢા ગુનેગારો, ભાજપ તેમની સામે પગલા લેવાના બદલે ડેમેજ કન્ટ્રોલ કરી રહી છે : કોંગ્રેસ
નવી દિલ્હી: ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે દેશમાં તમામ ગૃહયુદ્ધો માટે સુપ્રીમ કોર્ટ અને દેશના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્ના જવાબદાર છે. આ નિવેદનને લઇને ભારે વિવાદ થયો છે ત્યારે ભાજપે નિશિકાંત દુબેના નિવેદનથી હાથ ઉંચા કરી લીધા હતા અને કહ્યું હતું કે આ તેમનું અંગત નિવેદન છે જેને પક્ષ સાથે કઇ લેવાદેવા નથી. ખૂદ ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું હતું કે નિશિકાંત દુબે અને દિનેશ શર્માના ન્યાય પાલિકા અને મુખ્ય ન્યાયાધીશ અંગેના નિવેદન સાથે ભાજપને કઇ લેવાદેવા નથી, ભાજપ આ નિવેદનથી સહમત નથી ના તો તેનું સમર્થન કરે છે.
નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ અંગે આ નિવેદન વક્ફના નિર્ણય બાદ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદામાં કેન્દ્ર સરકારે કરેલા પૈકી કેટલાક સુધારાનો અમલ હાલ પુરતા અટકાવ્યો હતો. જેને પગલે ભડકેલા દુબેએ સોશિયલ મીડિયા પર મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટની ટિકા કરી હતી. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ નિશિકાંતના નિવેદનને સમર્થન નથી આપ્યું, જોકે આ વિવાદ વચ્ચે પણ દુબેએ હવે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ વાય કુરેશીને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. દુબેએ કહ્યું હતું કે એસ વાય કુરેશી ચૂંટણી કમિશનર નહીં પણ મુસ્લિમ કમિશનર હતા.
કુરેશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કેન્દ્ર સરકારના વક્ફ કાયદામાં સુધારાની ટિકા કરી હતી અને દાવો કર્યો હતો કે વક્ફ કાયદામાં સુધારો અનર્થ કરનારો એક રાક્ષસી પ્લાન છે, જેના દ્વારા મુસ્લિમોની જમીનોને હડપી લેવામાં આવશે. કુરેશીના આ નિવેદન બાદ હવે ભાજપ સાંસદ દુબેએ કહ્યું હતું કે કુરેશી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર નહીં પણ મુસ્લિમ કમિશનર હતા. કુરેશીના ચૂંટણી કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન ઝારખંડમાં અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરોને મતદાર બનાવી દેવાયા હતા. બીજી તરફ મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટ અંગેના દુબેના નિવેદનની ટિકા કરતા સુપ્રીમ કોર્ટના વકીલ અને વક્ફની એક અરજીમાં દલીલો કરનારા અનસ તનવીરે કહ્યું હતું કે દુબેનું નિવેદન ખતરનાક અને ભડકાઉ છે, તેની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી થવી જોઇએ. સુપ્રીમના વકીલે દેશના એટર્ની જનરલ આર વેંકટરમણીને પત્ર લખ્યો હતો અને દુબે સામે અવમાનનાની કાર્યવાહી માટે સંમતિ માગી હતી. જ્યારે ભાજપે દુબેના નિવેદનથી હાથ ઉંચા કરી લીધા હતા જેને લઇને કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ભાજપના બે સાંસદો નિશિકાંત દુબે અને દિનેશ શર્માએ નિવેદનો આપ્યા તેને લઇને ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરી રહી છે. ભાજપે આ બન્ને રીઢા ગુનેગાર સાંસદો સામે કોઇ કાર્યવાહી કેમ ના કરી ?
ભાજપ સાંસદોનાં સુપ્રીમ કોર્ટ વિરોધી વિવાદિત નિવેદનો
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે આ દેશના કાયદા સંસદ બનાવે છે અને સુપ્રીમ કોર્ટ એ સંસદને આદેશ આપશે? સુપ્રીમ કોર્ટે નવો કાયદો કેવી રીતે બનાવ્યો? કયા કાયદામાં લખેલું છે કે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો પડશે? આ આદેશનો અર્થ એ છે કે, સુપ્રીમ કોર્ટ આ દેશને અરાજકતા તરફ લઈ જવા માંગે છે. સંસદમાં આ અંગે વિગતવાર ચર્ચાથશે.
દુબેના વિવાદ વચ્ચે વધુ એક ભાજપ સાંસદ દિનેશ શર્માએ કહ્યું હતું કે બાબાસાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું ત્યારે વિધાનસભા અને ન્યાયતંત્રના અધિકારો સ્પષ્ટ રીતે લખાયેલા હતા. ભારતના બંધારણ મુજબ, કોઈ પણ વ્યક્તિ લોકસભા અને રાજ્યસભાને આદેશ ના આપી શકે. વક્ફ કાયદાને રાષ્ટ્રપતિએ સંમતિ આપી દીધી છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ હોવાથી કોઈ પણ તેમને પડકારી શકે નહીં.
જ્યારે ભાજપના જ રાજ્યસભાના વધુ એક સાંસદ મનન કુમાર મિશ્રાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મણિપુર મુદ્દે જાતે નોંધ લીધી હતી પણ આપણે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો સળગી રહ્યા છે પણ સુપ્રીમ કોર્ટની આંખો બંધ છે. આખા દેશની નજર સુપ્રીમ કોર્ટ પર છે. લોકોને લાગે છે કે, સુપ્રીમ કોર્ટ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ આપશે પણ સુપ્રીમ કોર્ટ ચૂપ છે.