Karnataka Former DGP Murder: કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની પત્ની દ્વારા જ ગઈકાલે રવિવારે હત્યા કરી દીધી હોવાના ઘટસ્ફોટ બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. 68 વર્ષીય નિવૃત્ત ડીજીપીના પેટ અને છાતી પર ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પત્ની સાથે સંપત્તિ વિવાદ મામલે ઝઘડો થતાં પત્નીએ પહેલાં મરચાનો પાવડર ફેંકી પતિને દોરડાં વડે બાંધી દીધા હતા અને બાદમાં ચપ્પાના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હુમલામાં એક કાચની બોટલનો પણ ઉપયોગ થયો હતો.
મા-પુત્રીની 12 કલાક સુધી પૂછપરછ
સુત્રોએ જણાવ્યા પ્રમાણે, હત્યા બાદ નિવૃત્ત અધિકારીની પત્નીએ પોતે જ અન્ય એક પોલીસ કર્મીને આ હત્યા વિશે માહિતી આપી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઓમ પ્રકાશની પત્ની અને તેની પુત્રીની ધરપકડ કરી હતી. બંનેની આશરે 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હત્યામાં તેમની પુત્રીની ભૂમિકા છે કે નહીં, તેની તપાસ થઈ રહી છે. આ મામલે ડીજીપીના પુત્રે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ
ઝઘડો વધતાં કરી હત્યા
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ઓમ પ્રકાશ અને તેમની પત્ની વચ્ચે જમીન-સંપત્તિ મામલે વિવાદ થયો હતો. ઓમ પ્રકાશે પોતાની એક સંપત્તિ કોઈ સંબંધીના નામે કરી દીધી હતી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો વધતાં બંને વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં પત્નીએ પતિની આંખમાં મરચાનો પાવડર નાખી તેમને દોરડા વડે બાંધી દીધા હતા. અને છાતી તથા પેટના ભાગે ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી.
પોલીસને સવારે હત્યાની જાણ થઈ
બેંગ્લુરૂના એસીપી વિકાસ કુમારે જણાવ્યું હતું કે, અમને ગઈકાલે વહેલી સવારે ચાર વાગ્યે પૂર્વ ડીજીપીની હત્યા થઈ હોવાની જાણકારી મળી હતી. ઓમ પ્રકાશ 1981 બેન્ચના આઈપીએસ અધિકારી હતાં. તેઓ 2015માં કર્ણાટકના ડીજીપી બન્યા હતાં. તે પહેલાં તેઓ ફાયરબ્રિગેડ, ઈમરજન્સી સેવાઓ અને હોમ ગાર્ડ વિભાગના વડા તરીકે કાર્યરત હતા.