– સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવા માટે પગલું લેવાશે
– દેશની અગ્રણી સ્ટીલ કંપનીઓ આયાતના કારણે ચિંતિત અને નિયંત્રણો લાદવા સરકારને હાકલ કરી
કોટા : ચીન અને અન્ય દેશોમાંથી સસ્તી આયાતમાં વધારાને અટકાવવા એટલે કે ભારતમાં ડમ્પિંગને રોકવા માટે ભારત સ્ટીલની આયાત પર હંગામી ધોરણે ૧૨ ટકા ટેરિફ લાદવા વિચારણા કરી રહ્યું છે. આ ટેરિફને સેફગાર્ડ ડયુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ ટેરિફ લાદવાની તૈયારીમાં હોવાનું એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું. ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે.
આ અધિકારીએ પોતાની ઓળખ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, સરકાર શક્ય એટલી વહેલી તકે આ હંગામી-કામચલાઉ ટેરિફ લાગુ કરી શકે છે. ભારત વર્ષ ૨૦૨૪-૨૫માં સતત બીજા વર્ષે ફિનિશ્ડ સ્ટીલનો નેટ આયાતકાર રહ્યો હતો. સરકારના પ્રોવિઝનલ આંકડા મુજબ શિપમેન્ટ ૯૫ લાખ મેટ્રિક ટનની નવ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
ગત મહિને ડિરેકટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (ડીજીટીઆર)એ સસ્તી આયાતને રોકવાના પ્રયાસના ભાગરૂપ ૨૦૦ દિવસ માટે કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર ૧૨ ટકા ટેરિફની ભલામણ કરી હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલી તપાસ બાદ આ નિરંકુશ આયાતથી ભારતના સ્ટીલ ઉદ્યોગને નુકશાન થયું છે કે એ જાણીને આ ભલામણ કરવામાં આવી હતી. આ ટેમ્પરરી ટેરિફ ૧૨ ટકા હશે એ સ્પષ્ટ છે અને વહેલી તકે નિર્ણય લેવાય એવી અપેક્ષા હોવાનું અને ડીજીટીઆરની ભલામણમાં આગળ વધવાની યોજના હોવાનું આ બિન-રિપોર્ટેડ યોજના વિશે સૂત્રએ જણાવ્યું હતું.
જો કે હજુ સુધી આ મામલે નિર્ણય લેતા નાણા મંત્રાલયે હજુ કોઈ નિર્ણય કે સંકેત આપ્યો નથી. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે. ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનથી થતી આયાત ભારતની કુલ ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં ૭૮ ટકા હિસ્સો ધરાવે છે.
સસ્તા સ્ટીલનો પુરવઠો ખડકાવાના કારણે ભારતની નાની મિલોને કામગીરી ઘટાડવા અને નોકરીઓમાં કાપ મૂકવાની ફરજ પડી છે. ભારત આયાત રોકવા માટે પગલાં લેવાનું વિચારી રહેલા દેશોની વધતી જતી યાદીમાં જોડાયું છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેઈલ) અને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા સાથે, તેના અગ્રણી સ્ટીલ ઉત્પાદક સંગઠન, જેમાં જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલનો સમાવેશ છે, તેમણે આયાત પર ચિંતા વ્યક્ત કરી છે અને નિયંત્રણો લાદવાની હાકલ કરી છે.