– અલ્હાબાદ હાઈકોર્ટનું કડક વલણ
– યુકે સરકારને કથિત બ્રિટિશ નાગરિકતા વિશે પત્ર લખ્યો હોવાની ડેપ્યુટી સોલિસિટર જનરલની દલીલ
લખનઉ : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દસ દિવસની અંદર નાગરિકતા અંગે સ્પષ્ટ અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે.
કર્ણાટકના ભાજપ કાર્યકર્તા એસ વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર જસ્ટિસ એ.આર. મસૂદી અને જસ્ટિસ રાજીવ સિંહની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો છે. આ પહેલાની સુનાવણી દરમિયાન ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ કોર્ટને જણાવ્યું કે, સંબંધિત મંત્રાલયે યુકે સરકારને કથિત બ્રિટિશ નાગરિકતા વિશે વિગતો માંગવા પત્ર લખ્યો છે. તેથી સરકારને ફરિયાદ પર નિર્ણય લેવા માટે સમયની જરૂર છે.
અરજદારે દલીલ કરી હતી કે, તેમની પાસે બ્રિટિશ સરકારના તમામ દસ્તાવેજો અને કેટલાક ઈ-મેલ છે જે સાબિત કરે છે કે, રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. આ તમામ કારણોને લીધે રાહુલ ગાંધી ચૂંટણી લડવા અને સાંસદ તરીકે ચાલુ રહેવા માટે અયોગ્ય છે. આ મામલાની સુનાવણી ૫ મેના રોજ યોજાશે.