Bulldozer operation in Gujarat: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા પ્રજામાં ભય અને આતંક ફેલાવવાની ઘટના બાદ સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે. રાજ્યની પોલીસે 100 કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. જ્યારે પોલીસે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 7612 શખ્સોની યાદી તૈયારી રાજ્યભરમાં જુદી જુદી જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે (શુક્રવારે) સતત ત્રીજા દિવસે રાજ્યભરમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઇ છે.
અમદાવાદમાં સટોડિયા ટોમી પટેલે સિંધુભવનના બંગલામાં ગેરકાયદે બાંધકામ જાતે જ દૂર કર્યું છે. તો કચ્છમાં અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરતાં બુલડોઝર ફેરવી દઇ કચ્છ પોલીસે ધાક બેસાડી કાર્યવાહી કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજારના લાખાપરના લીસ્ટેડ બુટલેગર, અંબાજી નગરમાં આવેલું વર્ષામેડીના મકાન તોડીપડાયું છે. જ્યારે સુરતમાં સુરતમાં લસકાણા પોલીસ સ્ટેશનના બે બુલેટરોના શેડ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અતુલ પરમાર અને રાહુલ રાઠોડ ત્યાં ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના લસકાણા, વરાછા અને ગોડાદરા વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે વડોદરાના તાંદલજામાં દારૂનો વેપલો કરતી ફિરોઝાબાનુંના ઘર પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું છે.
SMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ એક મોટી ઝુંબેશનો ભાગ છે જ્યાં SMC એ બુટલેગિંગ અને જુગારના કેસોમાં સંડોવાયેલા વ્યક્તિઓ સાથે જોડાયેલી 16 મિલકતોની ઓળખ કરી છે. આ આરોપીઓના તમામ ગેરકાયદેસર બાંધકામો 72 કલાકની અંદર તોડી પાડવામાં આવશે. ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગેરકાયદેસરના બાંધકામોને નજરઅંદાજ કરવામાં આવશે નહીં. આવા તત્ત્વો સામે કોઈપણ ભેદભાવ વિના કાર્યવાહી ચાલુ રહેશે.’
અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશનની કામગીરી
ગુરૂવારે અમદાવાદના સરખેજ, સરદારનગર, જીમખાના, દરિયાપુર વિસ્તારોમાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. SMC દ્વારા 15થી વધુ બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી તૈયાર કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુખ્યાત બુટલેગર સાવન દિદાવાલા ઉર્ફે છારાએ સરદારનગરના છારાનગર વિસ્તારમાં બે માળનો ગેરકાયદેસર બંગલો અને સૈજપુર બોઘા મહાજનીયા વાસમાં ત્રણ માળનું ગેરકાયદેસર મકાન સહિત ચાદરથી ઢંકાયેલી દુકાન બનાવી હતી, જેને SMCની ટીમે દ્વારા કામગીરીના ભાગ રૂપે બંને બાંધકામો તોડી પાડ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર હથોડા, મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી
રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત ગુનો કરનાર, 958 મિલકત સંબંધિત ગુનો કરનાર, 516 જુગારીયા અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.
અમદાવાદની ગેંગની યાદી
અમદાવાદમાં ખાસ કરીને લાકડા ગેંગ, કપ્તાન ગેંગ, સચિન રાજપૂત ગેંગ, કલ્લુ ગેંગ, મારવાડી ગેંગ, સત્યા ગેંગ, વાડિયારી ગેંગ, કાચિંડા ગેંગ, ગુલાબનગર ગેંગ, ચૌરસિયા ગેંગ – નાગરવેલ, અર્જુન ગેંગ, આશિષ રબારી ગેંગ, અજિત ગેંગ, તાતિયાં ગેંગ, મદ્રાસી ગેંગ, દાદુ ગેંગ, મણિનગર ગેંગ, કલ્લા ગેંગ, મેંબલા ગેંગ, સીલુ ગેંગ, અનામી ગેંગ, બાસી ગેંગ, ફ્રેક્ચર ગેંગ, ઘેંટીયા ગેંગ તંત્રની રડારમાં છે.
સુરતની ગેંગની યાદી
બીજી બાજુ સુરત પોલીસ દ્વારા 1400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને સુરતમાં આસિફ ટામેટા ગેંગ, લાલુ જાલીમ ગેંગ, અસરફ નાગોરી ગેંગ, સજ્જુ કોઠારી ગેંગ, વિપુલ ગાજીપરા ગેંગ, રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ, બેંટી ગેંગ, મીંડી ગેંગ, સુરજ કાલિયા ગેંગ અને તેમના મળતિયા તંત્રની રડારમાં છે.
7,612 અસામાજિક તત્વોની યાદી તૈયાર, યાદીમાં 3264 બુટલેગરો
અમદાવાદ: 1100
સુરત: 1400
વડોદરા: 825
રાજકોટ: 756
જામનગર: 1007
કચ્છ: 1900
બનાસકાંઠા: 221
ધાનેરા: 25
પાટણ: 165
ભરૂચ: 308
ગીર સોમનાથ: 135
સુરેન્દ્રનગર: 1000