– ભાજપ સાંસદ સામે સરકાર કોઈ પગલાં નથી લઈ રહી : વકીલનો દાવો
– દેશના 10મા સીજેઆઈ કૈલાશનાથ વાંચૂ પાસે કાયદાની ડિગ્રી જ નહોતી : ભાજપ સાંસદ દુબેનો સુપ્રીમ પર વધુ એક હુમલો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના પર વિવાદાસ્પદ નિવેદન કરીને ભાજપ સાંસદ નિશિકાંત દુબે ફસાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટમાં નિશિકાંત દુબે વિરુદ્ધ કેસ થયો છે, જેની સુનાવણી આગામી સપ્તાહ પર રાખવામાં આવી છે. બીજીબાજુ ભાજપ સાંસદે સુપ્રીમ કોર્ટની ટીકા કરવાનું ચાલુ રાખતા મંગળવારે એક પોસ્ટ કરીને કહ્યું કે, આઈસીએસ અધિકારી કૈલાશનાથ વાંચૂ કાયદાની ડિગ્રી મેળવ્યા વિના દેશના ૧૦મા મુખ્ય ન્યાયાધીશ બની ગયા હતા. તેમની આ પોસ્ટને સુપ્રીમ પર વધુ એક હુમલા તરીકે જોવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દેશમાં ધાર્મિક યુદ્ધ માટે જવાબદાર હોવાનું નિવેદન કરીને ભાજપ સાંસદ નિશિકાંત દુબે ફસાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટમાં વકીલોએ દુબે વિરુદ્ધ અવમાનનાનો કેસ કર્યો છે. તેમણે ભાજપ સાંસદના નિવેદનનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ મામલામાં સરકાર કશું નથી કરી રહી જ્યારે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલને પત્ર લખાયો છે. આ સંદર્ભમાં ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે કેસનું આગામી સપ્તાહ માટે લિસ્ટિંગ કર્યું છે.
વકીલોએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આવું ક્યારેય થયું નથી. સાંસદ દુબેનું કહેવું છે કે ભારતમાં ગૃહ યુદ્ધ માટે સીજેઆઈ ખન્ના જવાબદાર છે. આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટ માટે અનેક વિવાદાસ્પદ નિવેદનો કરાયા છે. સુપ્રીમ કોર્ટ એક કો… છે. સુપ્રીમ શરિયા દ્વારા રેગ્યુલેટ કરાય છે. એટર્ની જનરલ અને સોલિસિટર જનરલને પત્ર અપાયા છે, પરંતુ સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી. કૃપયા સોશિયલ મીડિયાને વીડિયો હટાવવાના નિર્દેશ આપવામાં આવે. તેનાથી સુપ્રીમ કોર્ટને નુકસાન થઈ રહ્યું છે. આ વીડિયો આખા દેશમાં વાયરલ છે.
દરમિયાન સુપ્રીમ કોર્ટ અને સીજેઆઈ ખન્ના વિરુદ્ધ ટીપ્પણીથી વિપક્ષ સહિત મોટાપાયે વિરોધનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ નિશિકાંત દુબે પોતાના નિવેદન પર અડગ રહ્યા. એટલું જ નહીં તેમણે સુપ્રીમ કોર્ટ પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું. દુબેએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું, શું તમને ખબર છે કે ૧૯૬૭-૬૮માં ભારતના મુખ્ય ન્યાયાધીશ કૈલાશનાથ વાંચૂજીએ કાયદાનો કોઈ અભ્યાસ કર્યો નહોતો. તેમની આ ટીપ્પણીને સુપ્રીમ કોર્ટ પર હુમલા સમાન માનવામાં આવે છે. હકીકતમાં કૈલાશનાથ વાંચૂ દેશના ૧૦મા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે એપ્રિલ ૧૯૬૭થી ફેબુ્રઆરી ૧૯૬૮ સુધી સીજેઆઈપદ પર કામ કર્યું. તેઓ દેશના એકમાત્ર એવા મુખ્ય ન્યાયાધીશ હતા, જેમણે કાયદાની ઔપચારિક ડિગ્રી મેળવી નહોતી. તેઓ બ્રિટિશ કાળમાં ભારતીય સિવિલ સેવા (આઈસીએસ)ના અધિકારી હતા અને આ પૃષ્ઠભૂમિથી જ ન્યાયતંત્રમાં આવ્યા હતા.