Pahalgam Terror Attack: દક્ષિણ કાશ્મીરથી લઈને ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખાને અડીને આવેલા નૌગામ (કુપવાડા) સુધી મંગળવારે સાંજે સ્થાનિક લોકો દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરતા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.
શ્રીનગરની મસ્જિદોમાં બૈસારન હુમલાની નિંદાનું એલાન થયું અને કહ્યું કે, હુમલાખોરો ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન છે. બૈસારન હુમલા બાદથી સમગ્ર ઘાટીના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
મસ્જિદોના લાઉડ સ્પીકરથી હુમલાની નિંદા કરવામાં આવી
પહેલગામના સ્થાનિક લોકોએ પીડિતો સાથે એકજૂટતા વ્યક્ત કરવા માટે સાંજે કેન્ડલ માર્ચ કાઢી હતી. યુવાનો, દુકાનદારો અને હોટલ માલિકોએ તેમાં ભાગ લીધો હતો. આ લોકો ‘અમે શાંતિ માટે ઉભા છીએ’ અને ‘પ્રવાસીઓ અમારા મહેમાનો છે’ લખેલા પોસ્ટર લઈને માર્ચમાં સામેલ થયા હતા. પુલવામા, બડગામ, શોપિયાં, શ્રીનગર ઉપરાંત સ્થાનિક લોકોએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડામાં પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાનને ફરી લાગ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, ઍરફોર્સને ઍલર્ટ કરી, ભારતને ધમકાવવાનું દુઃસાહસ કર્યું
મંગળવારે સાંજે ઈશાની નમાજ સમયે ઘાટીની લગભગ દરેક મસ્જિદના લાઉડસ્પીકર પર બૈસારન હુમલાની નિંદાનું એલાન થયું હતું. આ દરમિયાન લોકોને કાશ્મીરીયત અને ઈસ્લામના દુશ્મનોના આ નાપાક કૃત્ય સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે બૈસારનના શહીદો અને તેમના પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે બુધવારના કાશ્મીર બંધને સફળ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.
આતંકી હુમલામાં 28 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ મંગળવારે મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે.