મુંબઈ : બ્રાઝિલનું સસ્તુ રૂ અને ઘરઆંગણે નીચા ઉત્પાદનને પરિણામે ૨૦૨૪-૨૫ની વર્તમાન રૂ મોસમમાં દેશમાંથી રૂની નિકાસ ઘટી ૧૫ લાખ ગાંસડી રહેવા અંદાજ છે.
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ) દ્વારા જારી કરાયેલા અંદાજ પ્રમાણે, વર્તમાન મોસમમાં રૂની નિકાસ ૧૩.૩૬ લાખ ગાંસડી ઓછી થશે જે ગઈ મોસમમાં૨૮.૩૬ લાખ ગાંસડી રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાઝિલનું રૂ સસ્તામાં મળી રહ્યું છે અને ભારતના રૂની સરખામણીએ સાત ટકા નીચા ભાવે ઉપલબ્ધ છે. આ ઉપરાંત દેશનું રૂ ઉત્પાદન વર્તમાન મોસમમાં ૧૧ ટકા જેટલુ નીચુ જોવાઈ રહ્યું છે, જેને કારણે આપણી રૂ આયાતમાં વધારો થયો છે, એમ સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું.
૨૦૨૪-૨૫ની વર્તમાન મોસમમાં રૂની આયાત ગઈ મોસમની સરખામણીએ ૧૭.૮૦ લાખ ગાંસડી વધી ૩૩ લાખ ગાંસડી રહેવા અપેક્ષા છે. ૨૦૨૩-૨૪ની મોસમમાં ૩૨૭.૪૫ લાખ ગાંસડીની સરખામણીએ વર્તમાન મોસમમાં રૂનું ઉત્પાદન ૨૯૧.૩૫ લાખ ગાંસડી રહેવા ધારણાં છે.
એપ્રિલના અંત સુધીમાં રૂનો કુલ પૂરવઠો ૩૨૫.૮૯ લાખ ગાંસડી રહ્યો હતો જ્યારે વપરાશ આ ગાળામાં ૧૮૫ લાખ ગાંસડી થયો છે અને નિકાસ ૧૦ લાખ ગાંસડી થઈ છે. સપ્ટેમ્બરના અંતે સમાપ્ત થનારી વર્તમાન રૂ મોસમમાં રૂનો એકંદર વપરાશ ૩૦૭ લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુકાયો છે. મિલો રૂને બદલે મેન મેડ ફાઈબરનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહી હોવાથી રૂના વપરાશમાં ઘટાડો જોવાઈ રહ્યો છે.
એપ્રિલના અંત સુધીમાં કુલ ૧૩૦.૮૯ લાખ ગાંસડી સ્ટોક સિલક રહ્યાનો અંદાજ છે જેમાંથી ૩૫ લાખ ગાંસડી મિલો પાસે અને ૯૫.૮૯ લાખ ગાંસડી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ટ્રેડરો, જિનર્સ વગેરે પાસે હોવાનું પણ જણાવાયું હતું.