Jamnagar : જામનગર મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીના વધુ એક નમૂનો ગઈકાલે જામનગરના નીલકંઠ પાર્ક વિસ્તારમાં જોવા મળ્યો હતો, ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ હતી, અને માર્ગો પર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા.
જામનગરના બેડી બંદર રોડ ઉપર નીલકંઠ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગઈકાલે બપોરે એકાએક પાણીની પાઇપલાઇન લીક થઈ હતી, અને તેના કારણે તેમાંથી પાણીના ફુવારા ઉડ્યા હતા. અને આસપાસના વિસ્તારમાં જલ ભરાવ થયો હતો. ચોમાસામાં જે રીતે પાણી ભરાઈ જાય તે રીતે નીલકંઠ પાર્ક વિસ્તારના મેઇન રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું હતું, અને હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.
મોડે સુધી પણ મહાનગરપાલિકાનું તંત્ર ઉપરોક્ત સ્થળે પ્રગટ થયું ન હતું, જેના કારણે પાણીનો વેડફાટ ચાલુ રહ્યો હતો, અને ત્યાંથી પસાર થનારા રાહદારીઓ-વાહન ચાલકોને લાંબો સમય સુધી હાલાકી વેઠવી પડી હતી.
જો કે મોડેથી આ અંગેની જાણ થતાં પાણીનો પ્રવાહ બંધ કરી દેવાયા પછી લીકેજ અટક્યું હતું, અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.